દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. પરંતુ, હવે આ ટેકનોલોજી દિગ્ગજ આઇટી કંપનીઓ માટે માથાનો દુખાવો બની રહી છે. જે રીતે કર્મચારીઓએ આ એઆઈ ટૂલ્સને અપનાવ્યા છે, તેનાથી કંપનીઓનો ખર્ચ અચાનક કરોડો રૂપિયા વધી ગયો છે. પરિણામે હવે કંપનીઓએ પોતાના પગ પાછા ખેંચવાની ફરજ પડી રહી છે.
માઇક્રોસોફ્ટે Claude Code ના લાયસન્સ રદ કર્યા
અમેરિકાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટે પોતાના એન્જિનિયરો માટેના મોટાભાગના ‘Claude Code’ લાયસન્સ રદ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની હવે પોતાના સ્ટાફને GitHub Copilot CLI નો ઉપયોગ કરવા માટે કહી રહી છે.
-
શું હતી સમસ્યા: આશરે ૬ મહિના પહેલા જ માઇક્રોસોફ્ટે પોતાના હજારો ડેવલપર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ અને ડિઝાઇનર્સ માટે Claude Code નું એક્સેસ ખોલ્યું હતું.
-
કેમ લીધો નિર્ણય: કર્મચારીઓ આ ટૂલ પર એટલા નિર્ભર થઈ ગયા કે કંપનીનું બજેટ ખોરવાઈ ગયું. ખર્ચ ખૂબ જ વધી જતાં કંપનીએ આખરે આ નિર્ણય લેવો પડ્યો છે.
જોકે, આ નિર્ણયથી Anthropic કંપની સાથે માઇક્રોસોફ્ટના ૫ બિલિયન ડોલરના રોકાણ અને વ્યાપારિક કરારો પર કોઈ અસર નહીં થાય.
ઉબેર (Uber) એ ૪ મહિનામાં જ આખા વર્ષનું બજેટ વાપરી નાખ્યું!
બીજી તરફ, જાણીતી રાઇડ હેલિંગ કંપની ઉબેર (Uber) માંથી પણ આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉબેરના ચીફ ટેકનોલોજી ઓફિસર પ્રવીણ નેપલ્લી નાગાએ ખુલાસો કર્યો છે કે કંપનીએ વર્ષ ૨૦૨૬ ના શરૂઆતના માત્ર ૪ મહિનામાં જ આખા વર્ષનું AI કોડિંગ બજેટ ફૂંકી માર્યું છે.
વાસ્તવમાં, ઉબેર પોતાની ટીમોને AI ટૂલ્સ વાપરવા માટે ખૂબ પ્રોત્સાહિત કરી રહી હતી. આ માટે કંપનીની અંદર લીડરબોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ ઉત્સાહ કંપનીને આર્થિક રીતે ભારે પડી ગયો છે.
AI પર જેટલો વધુ ભાર, એટલો જ મોટો ખર્ચ
એક અહેવાલ મુજબ, આ બંને મોટી કંપનીઓના કિસ્સા પરથી એક નવી વાત સામે આવી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે AI આવવાથી કંપનીઓનો ખર્ચ ઘટશે. પરંતુ હકીકત એ છે કે કંપનીઓ પોતાના કર્મચારીઓ પર AI વાપરવા માટે જેટલું દબાણ કરે છે, કંપનીઓનું બજેટ એટલી જ ઝડપથી બહાર જઈ રહ્યું છે. હાલ પૂરતું આ નવો ટ્રેન્ડ ટેક કંપનીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
