દેશમાં ચોમાસાની ગતિ ધીમી પડતાં ખેડૂતો અને સામાન્ય જનતા ચિંતામાં મૂકાઈ ગઈ છે. જો કે, હવે ચિંતા કરવાની જરૂર નથી. અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ તસવીરોમાં એક અદ્ભુત કુદરતી દ્રશ્ય જોવા મળ્યું છે. પેસિફિક મહાસાગરથી લઈને બંગાળની ખાડી સુધી આશરે 10,000 કિલોમીટર લાંબો વાદળોનો એક વિશાળ કાફલો ધસી આવી રહ્યો છે.
હવામાન વિજ્ઞાનીઓના મતે, આ કોઈ સામાન્ય ઘટના નથી. આ સિસ્ટમ સૂતેલા ચોમાસાને ફરીથી જગાડવાનું કામ કરશે. જો બધું બરાબર રહ્યું તો જુલાઈના છેલ્લા અઠવાડિયામાં ભારતભરમાં મેઘરાજા ફરી ધમાકેદાર બેટિંગ કરશે.
શું છે 10,000 કિલોમીટર લાંબો વાદળોનો પટ્ટો?
હાલ ભારતના પૂર્વ ભાગથી લઈને મધ્ય પેસિફિક મહાસાગર સુધી આશરે 7,000થી 10,000 કિલોમીટર લાંબો એક વિશાળ પટ્ટો સક્રિય થયો છે. હવામાન વિજ્ઞાનની ભાષામાં આને ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન્સ ઝોન (Intertropical Convergence Zone – ITCZ) કહેવામાં આવે છે.
-
કેવી રીતે બને છે આ સિસ્ટમ? પૃથ્વીના વિષુવવૃત્ત નજીક ઉત્તર અને દક્ષિણ દિશામાંથી આવતા ગરમ પવનો એકબીજા સાથે અથડાય છે.
-
વરસાદનું નિર્માણ: આ અથડામણને કારણે ગરમ અને ભેજવાળી હવા આકાશમાં ઊંચે ચડે છે. તેનાથી ગણતરીના દિવસોમાં જ ઘટાદાર કાળાડિબાંગ વાદળો બને છે, જે ભારે વરસાદ લાવે છે.
ચોમાસું કેમ નબળું પડ્યું અને હવે શું બદલાશે?
સામાન્ય રીતે ચોમાસા દરમિયાન આ ITCZ લાઈન ભારતની બરાબર ઉપર હોય છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને સમુદ્રના વધતા તાપમાનને કારણે આ વખતે આ સિસ્ટમ પૂર્વ દિશા તરફ ઘણી દૂર સરકી ગઈ હતી.
પરંતુ હવે સારા સમાચાર એ છે કે આ વિશાળ ઝોનમાં ઘણી નાની-મોટી ઉષ્ણકટિબંધીય (Tropical) સિસ્ટમો અને ઓછા દબાણના ક્ષેત્રો (Low Pressure Areas) સર્જાયા છે. આ તમામ સિસ્ટમો ધીમે-ધીમે પશ્ચિમ તરફ એટલે કે આપણી બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. આનાથી નબળું પડેલું ચોમાસું ફરીથી શક્તિશાળી બનશે.
20થી 30 જુલાઈ વચ્ચે કયા રાજ્યોમાં થશે ધમાકેદાર વરસાદ?
હવામાન મોડેલોના અંદાજ મુજબ, આ સિસ્ટમની અસર 20થી 30 જુલાઈ દરમિયાન ભારતમાં જોવા મળશે. વરસાદની ભારે અછત ભોગવી રહેલા રાજ્યો માટે આ સિસ્ટમ અમૃત સમાન સાબિત થશે. ખાસ કરીને આ રાજ્યોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે:
-
બિહાર
-
ઝારખંડ
-
ઉત્તર-પૂર્વી રાજ્યો
-
મધ્યપ્રદેશ
-
રાજસ્થાન
ખેડૂતો માટે રાહત, તંત્ર માટે ચેતવણી
જો વરસાદ સમયસર આવશે તો જે ખેડૂતોનું વાવેતર અટકી પડ્યું છે તેમને મોટું જીવનદાન મળશે. પરંતુ તેની બીજી બાજુ પણ છે. જો આ સિસ્ટમ બંગાળની ખાડીમાં વધુ મજબૂત બનીને વાવાઝોડાનું સ્વરૂપ લેશે, તો પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
-
ખેડૂતોને સલાહ: હવામાનની પળેપળની માહિતી રાખીને પોતાના પાકની સુરક્ષાની તૈયારી રાખવી.
-
તંત્રને એલર્ટ: શહેરોમાં નબળી ડ્રેનેજ સિસ્ટમ સાફ કરવી અને નીચાણવાળા વિસ્તારોમાં અગાઉથી રાહત સામગ્રી તૈયાર રાખવી.
-
માછીમારોને ચેતવણી: બંગાળની ખાડીમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી દરિયો ન ખેડવો.
ગ્લોબલ વોર્મિંગનો પડકાર: છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્લોબલ વોર્મિંગને કારણે આ ITCZ નું વર્તન ખૂબ જ અનિયમિત બન્યું છે. તે ક્યારેક અચાનક ઉત્તર કે દક્ષિણ તરફ સરકી જાય છે, જેના કારણે એક જ સમયે એક તરફ દુષ્કાળ અને બીજી તરફ પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાય છે. હાલ પૂરતું તો આ 10,000 કિલોમીટર લાંબો વાદળોનો પટ્ટો દેશમાં ચોમાસાની ખાધ પૂરી કરશે તેવી આશા છે.
