બોલિવૂડમાં મોટા બજેટની દરેક ફિલ્મ સફળ થાય તે જરૂરી નથી. આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે વર્ષ ૨૦૧૫ માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બોમ્બે વેલ્વેટ’ (Bombay Velvet). આ ફિલ્મ આશરે ૧૧૮ કરોડ રૂપિયાના જંગી બજેટ સાથે બનાવવામાં આવી હતી. ફિલ્મમાં આજના સમયના સૌથી મોટા સ્ટાર્સ હોવા છતાં તે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. આ ફિલ્મ મેકર્સ માટે ૧०० કરોડથી વધુનું નુકસાન કરનારી સુપર ડિઝાસ્ટર સાબિત થઈ હતી.
કરણ જોહરે વિલન બનવા માટે લીધા હતા માત્ર ૧૧ રૂપિયા
આ ફિલ્મની સૌથી રસપ્રદ વાત એ છે કે, બોલિવૂડના ફેમસ ફિલ્મ મેકર કરણ જોહરે આમાં મુખ્ય વિલન (ખલનાયક) ની ભૂમિકા ભજવી હતી. તેમણે આ રોલ માટે ફી તરીકે માત્ર ૧૧ રૂપિયા લીધા હતા. ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ અને ‘દેવ ડી’ જેવી સુપરહિટ ફિલ્મો આપનારા ડિરેક્ટર અનુરાગ કશ્યપની આ સૌથી મોંઘી ફિલ્મ હતી. પરંતુ, આ ફિલ્મ તેમના કરિયરની સૌથી અસફળ અને નબળી ફિલ્મ સાબિત થઈ હતી.
રણબીર કપૂર નહીં, આમિર ખાન હતા પહેલી પસંદ
આ ફિલ્મની કાસ્ટિંગને લઈને પણ ઘણા મોટા ખુલાસા થયા હતા:
-
મુખ્ય અભિનેતા: ફિલ્મ માટે રણબીર કપૂર પહેલા આમિર ખાનને એપ્રોચ કરવામાં આવ્યા હતા. આ સિવાય સૈફ અલી ખાન અને ઋતિક રોશનના નામ પર પણ વિચાર કરાયો હતો, પણ અંતે રણબીર ફાઇનલ થયો.
-
વિલનનો રોલ: કરણ જોહર પહેલા વિલનના પાત્ર માટે દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ મેકર્સની પહેલી પસંદ હતા.
એક નાની ભૂલ અને દર્શકો સાથે કનેક્ટ ન થઈ શકી ફિલ્મ
ફિલ્મ ફ્લોપ થવા પાછળ સ્ક્રીપ્ટ સિવાય મેકર્સની એક મોટી ભૂલ પણ જવાબદાર હતી. આ ફિલ્મની વાર્તા ૧૯૬૦ ના દાયકાની પૃષ્ઠભૂમિ પર આધારિત હતી. પરંતુ, ફિલ્મમાં તમામ કલાકારો ‘ક્લાસિક માઈલ્ડ’ બ્રાન્ડની સિગારેટ પીતા જોવા મળે છે, જે ૧૯૬૦ ના દાયકામાં બજારમાં ઉપલબ્ધ જ નહોતી. આવી નાની-મોટી ભૂલો અને નબળી વાર્તાના કારણે દર્શકો ફિલ્મ સાથે જોડાઈ શક્યા નહીં અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ધબડકો વળી ગઈ.
