ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ સામાન્ય જનતાના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. હવે ટેલિકોમ કંપનીઓએ ગ્રાહકો પર ડેટા પ્લાન થોપવાનું બંધ કરવું પડશે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ ટેલિકોમ કંપનીઓ માટે એક મહત્વની સમયમર્યાદા નક્કી કરી છે. તે મુજબ 28 એપ્રિલ સુધીમાં તમામ ઓપરેટરોએ તેમના ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરીને દરેક વેલિડિટી માટે ‘વોઈસ અને SMS-ઓન્લી’ પ્લાન ફરજીયાત ઉપલબ્ધ કરાવવા પડશે. આ પ્લાન્સને વેબસાઈટ, મોબાઈલ એપ અને રિટેલ આઉટલેટ્સ પર સ્પષ્ટપણે દર્શાવવા પણ ફરજિયાત રહેશે. એટલે કે, ગ્રાહકો માટે ડેટા, વોઈસ અને SMSના જેટલા પણ પ્લાન ઉપલબ્ધ છે, તેટલા જ પ્લાન ‘માત્ર વોઈસ કોલ’ માટે પણ રાખવા પડશે.
શું છે TRAIનો નવો આદેશ?
TRAI એ તમામ ટેલિકોમ ઓપરેટરો માટે 28 એપ્રિલ, 2026 સુધીની સમયમર્યાદા નક્કી કરી છે. આ સમય સુધીમાં કંપનીઓએ તેમની સિસ્ટમમાં ફેરફાર કરી નીચે મુજબના પ્લાન લાવવા પડશે:
-
દરેક વેલિડિટી માટે ‘વોઈસ અને SMS-ઓન્લી’ પ્લાન ઉપલબ્ધ કરાવવા.
-
આ પ્લાન્સમાં ડેટાની સુવિધા રાખવી ફરજિયાત નથી.
-
પ્લાન્સની વિગત વેબસાઈટ, એપ અને સ્ટોર્સ પર સ્પષ્ટ દેખાવી જોઈએ.
કોને થશે મોટો ફાયદો?
આ નિર્ણયથી ખાસ કરીને એવા વર્ગને ફાયદો થશે જેમને ઈન્ટરનેટ કે ડેટાની જરૂર નથી:
-
વડીલો: જેઓ માત્ર ફોન કરવા માટે જ મોબાઈલ વાપરે છે.
-
ગ્રામીણ વિસ્તારો: જ્યાં સ્માર્ટફોન અને ડેટાનો વપરાશ ઓછો છે.
-
ઓછી આવક ધરાવતા લોકો: જેઓ સસ્તું રિચાર્જ શોધતા હોય છે.
શું રિચાર્જ સસ્તું થશે?
હા, નવા નિયમ મુજબ ‘વોઈસ ઓન્લી પ્લાન’ની કિંમત હાલના પ્લાન કરતા ઓછી હશે. અત્યારે ગ્રાહકોએ મજબૂરીમાં ડેટા સાથેના મોંઘા પ્લાન લેવા પડે છે. હવે તેમાંથી ડેટાનો ખર્ચ બાદ કરવામાં આવશે, જેથી બેઝિક પ્લાન સસ્તા થશે.
શું ડેટા વાપરનારા માટે પ્લાન મોંઘા થશે?
આ આદેશ બાદ એક ચિંતા પણ છે. ટેલિકોમ કંપનીઓને ડેટા વગરના પ્લાનથી નુકસાન થઈ શકે છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીઓ ડેટા વાળા પ્લાન્સની કિંમતમાં વધારો કરી શકે છે. જો આવું થશે તો ઇન્ટરનેટ વાપરનારા યુઝર્સ માટે ખર્ચ વધી શકે છે.
