ઉનાળો શરૂ થતાની સાથે જ ઘરોમાં AC, કુલર અને ફ્રીજનો વપરાશ વધી જાય છે, જેના કારણે લાઈટ બિલમાં મોટો ઉછાળો આવે છે. જો તમે પણ મોંઘા વીજળી બિલથી પરેશાન છો, તો તમારી કેટલીક નાની આદતો બદલીને તમે બિલમાં મોટો ઘટાડો કરી શકો છો.
1. લાઈટ ઇન્ડિકેટર દૂર કરો
સ્વીચ બોર્ડમાં રહેલા નાના લાલ ઇન્ડિકેટર ભલે નાના લાગે, પણ તે સતત 5 વૉટ વીજળી વાપરે છે. આખા ઘરના તમામ બોર્ડના ઇન્ડિકેટર મળીને આખો દિવસ બિનજરૂરી વીજળીનો વપરાશ કરે છે. તેને કઢાવી નાખવાથી બિલમાં રાહત મળે છે.
2. ટીવીને મેઈન સ્વીચથી બંધ કરો
મોટાભાગના લોકો ટીવીને માત્ર રિમોટથી બંધ કરે છે. રિમોટથી બંધ કરવા પર ટીવી ‘સ્ટેન્ડબાય મોડ’ પર રહે છે અને તેની સર્કિટ વીજળી વાપરતી રહે છે. હંમેશા મુખ્ય સ્વીચથી પાવર બંધ કરવાની આદત પાડો.
3. એસી ફિલ્ટરની નિયમિત સફાઈ
એસીના ફિલ્ટરમાં ધૂળ જામી જવાથી ઠંડક ઓછી થાય છે. આનાથી કમ્પ્રેસર પર લોડ વધે છે અને વીજળી વધુ વપરાય છે. ફિલ્ટર સાફ રાખવાથી એસી ઝડપથી રૂમ ઠંડો કરશે અને બિલ ઓછું આવશે.
4. ફ્રીજને વારંવાર ખોલવાનું ટાળો
ફ્રીજનો દરવાજો વારંવાર ખોલવાથી અંદરની ઠંડક બહાર નીકળી જાય છે. ફરીથી તાપમાન જાળવવા માટે ફ્રીજને વધુ પાવર વાપરવો પડે છે. જરૂર હોય ત્યારે જ અને ઓછા સમય માટે ફ્રીજ ખોલવું જોઈએ.
5. પંખા અને કુલરનો મર્યાદિત ઉપયોગ
જ્યારે રૂમમાં કોઈ હાજર ન હોય ત્યારે પંખા અને કુલર બંધ રાખવાની આદત પાડો. લાંબા કલાકો સુધી બિનજરૂરી ઉપકરણો ચલાવવાથી મહિનાના અંતે બિલમાં મોટો તફાવત દેખાય છે.
6. ઇલેક્ટ્રોનિક ડિવાઈસ પ્લગમાંથી કાઢો
મોબાઈલ ચાર્જર કે લેપટોપ એડેપ્ટર વાપર્યા પછી તેની સ્વીચ બંધ કરી પ્લગ કાઢી લેવો જોઈએ. સ્વીચ ચાલુ રાખવાથી તે ‘ફેન્ટમ લોડ’ તરીકે વીજળીનો વેડફાટ કરે છે.
7. ભારે ઉપકરણો એકસાથે ન ચલાવો
એસી, ઇન્ડક્શન અને ગીઝર જેવા વધુ પાવર ખેંચતા ઉપકરણો એકસાથે ચલાવવાનું ટાળો. આનાથી વાયરિંગ ગરમ થઈ શકે છે અને વીજળીના મીટર પર લોડ વધે છે. વારાફરતી ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.
8. નિર્ધારિત લોડ જાળવો
તમારા ઘરના કનેક્શનની કિલોવૉટ મર્યાદા કરતા વધુ વપરાશ કરવાથી પાવર કંપની દંડ વસૂલી શકે છે. લોડ મેનેજમેન્ટ કરવાથી વધારાની પેનલ્ટીથી બચી શકાય છે.
