ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. વર્ષ 2026 ના શરૂઆતના માત્ર 6 મહિનામાં જ રાજ્યના 50 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. પોલીસ વિભાગથી લઈને પંચાયત અને મહેસૂલ વિભાગ સુધી ભ્રષ્ટાચારનું નેટવર્ક ફેલાયેલું છે. આ દૂષણ સામાન્ય જનતા માટે મોટો શ્રાપ બની ગયું છે. ગયા વર્ષે કુલ 164 ભ્રષ્ટાચારીઓ પકડાયા હતા. તેની સરખામણીએ આ વર્ષનો આંકડો દર્શાવે છે કે ભ્રષ્ટાચારની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી.
વર્ગ-1 ના અધિકારીઓ પણ લાંચ લેવામાં આગળ
ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા ગાંધીનગરમાં જોવા મળી છે. ગાંધીનગર ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઓફિસના ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી 5 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. તેમની તપાસ દરમિયાન ₹2.64 કરોડની જ્વેલરી અને મિલકતો મળી આવી છે. આ આંકડો દર્શાવે છે કે સત્તાના જોરે કેવી ગેરકાયદે કમાણી કરવામાં આવે છે.
સામાન્ય કામ માટે પણ લાખોની માંગણી
ભ્રષ્ટાચાર માત્ર મોટા અધિકારીઓ પૂરતો સીમિત નથી. જન્મના દાખલાથી લઈને બિલ પાસ કરાવવા જેવા પાયાના કામોમાં પણ કમિશન મંગાય છે. તલાટી અને ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ પણ લાંચ લે છે. આણંદમાં બે મહિલા પોલીસ કર્મચારીઓ ₹1.10 લાખની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી ગઈ હતી.
કયા વિભાગમાં કેટલા ભ્રષ્ટાચારીઓ પકડાયા? (જૂન 2026 સુધી)
એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ના આંકડા પ્રમાણે વિવિધ વિભાગોની સ્થિતિ નીચે મુજબ છે:
ખાનગી વચેટિયાઓ પણ જેલ ભેગા: સરકારી બાબુઓની સાથે મદદગાર તરીકે ભૂમિકા ભજવતા 36 ખાનગી વ્યક્તિઓની પણ ધરપકડ કરાઈ છે. આ કેસોમાં કુલ લાંચની રકમ ₹65 લાખથી વધુ હોવાનો અંદાજ છે.
ભ્રષ્ટાચારીઓ કેમ નીડર છે? તંત્ર સામે મોટા સવાલો
ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ બિલકુલ ડર વગર લાંચ લે છે. તેના મુખ્ય કારણો અને સવાલો નીચે મુજબ છે:
-
આંતરિક તપાસનો અભાવ: સરકારી વિભાગોમાં પોતાનું કોઈ આંતરિક સર્વેલન્સ તંત્ર નથી. ACB ત્યારે જ એક્શન લે છે જ્યારે કોઈ ફરિયાદ કરે.
-
ધીમી કાર્યવાહી: શિસ્તભંગના પગલાં લેવામાં ખૂબ વિલંબ થાય છે.
-
નીચો સજાનો દર: કોર્ટમાં કન્વિક્શન રેટ (સજાનો દર) ઘણો નીચો છે. આ કારણે ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન મળે છે.
-
જનતા પર બોજ: પ્રજા ટેક્સ આપે છે, છતાં રૂટિન કામ માટે ‘કમિશન’ ચૂકવવું પડે છે.
જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓના મનમાં કાયદાનો કડક ડર નહીં બેસે, ત્યાં સુધી એસીબીની ટ્રેપ માત્ર ‘આંકડાબાજી’ બનીને રહી જશે. હવે જોવાનું એ રહેશે કે આ સરકારી સિસ્ટમ ક્યારે સાફ થશે?
