શું એલિયન્સ ખરેખર અસ્તિત્વ ધરાવે છે? શું આકાશમાં દેખાતી રહસ્યમય વસ્તુઓ (UFO) કોઈ બીજી દુનિયાની ટેકનોલોજી છે? આ સવાલો પર વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે અમેરિકા સરકાર આ રહસ્યોના મૂળ સુધી પહોંચવા માટે ગંભીર બની છે. વ્હાઇટ હાઉસે હાર્વર્ડ યુનિવર્સિટીના જાણીતા ખગોળશાસ્ત્રી એવી લોએબ (Avi Loeb) ને નવી વૈજ્ઞાનિક સલાહકાર પરિષદના પ્રમુખ બનાવ્યા છે.
આ વૈજ્ઞાનિક સમિતિ તાજેતરના વર્ષોમાં અમેરિકી સૈન્ય કર્મચારીઓ દ્વારા જોવામાં આવેલી રહસ્યમય ગોળાકાર વસ્તુઓની તપાસ કરશે. આ ઘટનાઓને સત્તાવાર રીતે અનઆઈડેન્ટિફાઈડ એનોમલસ ફેનોમેના (UAP) કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાના ભાગરૂપે આ માહિતી સાર્વજનિક કરવામાં આવી રહી છે.
કોણ છે એવી લોએબ અને તેમના વિવાદાસ્પદ દાવા?
એવી લોએબ છેલ્લા ઘણા વર્ષોથી એલિયન્સ જીવનની સંભાવના પર સંશોધન કરી રહ્યા છે:
-
વર્ષ 2017 નો દાવો: પૃથ્વીની નજીકથી પસાર થયેલી એક રહસ્યમય વસ્તુ વિશે તેમણે દાવો કર્યો હતો કે તે એલિયન્સ સ્પેસક્રાફ્ટ હોઈ શકે છે. જોકે મોટાભાગના વૈજ્ઞાનિકો તેને ધૂમકેતુ માનતા હતા.
-
પ્રશાંત મહાસાગરનું સંશોધન: વર્ષ 2023 માં તેમની ટીમે પ્રશાંત મહાસાગરમાંથી ધાતુના નાના કણો શોધી કાઢ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ એલિયન ટેકનોલોજી હોઈ શકે છે, જ્યારે અન્ય વૈજ્ઞાનિકોએ તેને જ્વાળામુખીની રાખ ગણાવી હતી.
લોએબ અગાઉ બ્લેક હોલ અને આકાશગંગાઓના નિર્માણ પરના સંશોધન માટે જાણીતા હતા. તેઓ આશરે 10 વર્ષ સુધી હાર્વર્ડ યુનિવર્સિટીના ખગોળશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
આ નવી ટીમમાં કોણ-કોણ સામેલ છે?
એવી લોએબની આ હાઈ-પ્રોફાઈલ ટીમમાં એક ડઝનથી વધુ વૈજ્ઞાનિકો અને UFO સંશોધકો સામેલ છે:
-
રિટાયર્ડ રીઅર એડમિરલ ટીમોથી ગેલોડેટ: અમેરિકી નેવીના પૂર્વ અધિકારી, જેઓ માને છે કે કેટલાક UAP બિન-માનવીય બુદ્ધિમત્તા (Non-human intelligence) ના નિયંત્રણમાં હોઈ શકે છે.
-
બેન લેમ: લુપ્ત થઈ ગયેલી પ્રજાતિઓને ફરી જીવિત કરવાના પ્રોજેક્ટ પર કામ કરતા અબજોપતિ ઉદ્યોગપતિ.
આ ટીમે પોતાની પહેલી બેઠક બાદ પેન્ટાગોન (અમેરિકી સંરક્ષણ મંત્રાલય) પાસે UAP ને લગતા 50 થી વધુ વીડિયો, તસવીરો અને દસ્તાવેજોની માંગણી કરી છે.
ટ્રમ્પના આદેશ બાદ વધી પારદર્શિતા
આ વર્ષે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય પ્રશાસનને UFO અને એલિયન્સ જીવન સાથે જોડાયેલા મામલાઓમાં વધુ પારદર્શિતા રાખવાનો નિર્દેશ આપ્યો હતો. આ આદેશ પછી પેન્ટાગોને દાયકાઓ જૂના FBI રેકોર્ડ્સ અને લશ્કરી વીડિયો જાહેર કર્યા છે. આ વીડિયોમાં આકાશમાં અતિ ઝડપે ઉડતી રહસ્યમય વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે.
જોકે પેન્ટાગોનની વિશેષ ઓફિસનું કહેવું છે કે અત્યાર સુધી એલિયન હોવાના કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. બીજી તરફ એવી લોએબનું માનવું છે કે સરકાર પોતે પણ આ રહસ્યમય વસ્તુઓની સાચી પ્રકૃતિ સમજી શકી નથી, તેથી આ વૈજ્ઞાનિક તપાસ ખૂબ જ રોમાંચક બની રહેશે.
