પેટ્રોલિયમ અને બળતણમાં ઇથેનોલના ઉપયોગ અંગે ચાલતી ચર્ચાઓ વચ્ચે હવે ડીઝલમાં પણ ઇથેનોલ ભેળવવાનો (Ethanol Blending) મુદ્દો સામે આવ્યો છે. સરકારે ડીઝલમાં ઇથેનોલના મિશ્રણ અંગે સંશોધન અને પરીક્ષણ કરાવ્યું હતું, પરંતુ સુરક્ષાના ધોરણોને ધ્યાનમાં રાખીને આ યોજનાને હાલ પૂરતી આગળ ન વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અટકાવવા પાછળનું મુખ્ય કારણ ડીઝલનો ‘ફ્લેશ પોઇન્ટ’ (Flash Point) છે.
ડીઝલમાં ઇથેનોલ મિક્સ કરવાથી શું મુશ્કેલી આવી?
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, સરકારી તેલ કંપનીઓએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટરો, ઓટોમોબાઇલ કંપનીઓ અને પ્રમાણિત પ્રયોગશાળાઓ દ્વારા ડીઝલ અને ઇથેનોલના મિશ્રણનું પરીક્ષણ કરાવ્યું હતું.
તપાસ દરમિયાન સામે આવ્યું કે ડીઝલમાં ઇથેનોલ ઉમેરવાથી તેના ફ્લેશ પોઇન્ટમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ કારણે ઇથેનોલ-બ્લેન્ડેડ ડીઝલ નક્કી કરવામાં આવેલા સુરક્ષા ધોરણો અને ફ્લેશ પોઇન્ટના નિયમો પર ખરું ઊતરી શક્યું નથી.
સરળ ભાષામાં સમજો: શું હોય છે ફ્લેશ પોઇન્ટ?
ફ્લેશ પોઇન્ટ એટલે કોઈપણ બળતણ (Fuel) નું એ ઓછામાં ઓછું તાપમાન, જે તાપમાને તેમાંથી નીકળતી વરાળ કે બાષ્પ હવામાં ભળીને કોઈપણ તણખા કે આગના સંપર્કમાં આવતા જ ક્ષણભર માટે સળગી ઉઠે છે.
-
કોઈપણ ફ્યુઅલનો ફ્લેશ પોઇન્ટ જેટલો ઓછો હશે, ચોક્કસ પરિસ્થિતિઓમાં તેની વરાળ આગ પકડવાનું જોખમ એટલું જ વધારે રહે છે.
ડીઝલ માટે આ સુરક્ષા કેમ જરૂરી છે?
ડીઝલનો ઉપયોગ માત્ર વાહનોમાં જ નહીં, પરંતુ મોટા ટેન્કરો દ્વારા લાંબા અંતરના પરિવહન, મોટા સ્ટોરેજ ટેન્કો અને પેટ્રોલ પંપો પર મોટા પ્રમાણમાં સંગ્રહ કરવા માટે થાય છે.
જો ઇથેનોલ મિક્સ કરવાથી ડીઝલનો ફ્લેશ પોઇન્ટ નક્કી કરેલી મર્યાદાથી નીચે જતો રહે, તો તેના ટ્રાન્સપોર્ટેશન, સ્ટોરેજ અને વાપરતી વખતે આગ લાગવાની દુર્ઘટનાઓનો ભય વધી જાય છે. આ જ કારણસર સરકારે સલામતીને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લીધો છે.
પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ ચાલુ રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની યોજના સફળતાપૂર્વક આગળ વધી રહી છે, જેનાથી દેશની તેલ આયાત પરની નિર્ભરતા ઘટે છે અને પ્રદૂષણ નિયંત્રણમાં મદદ મળે છે. પરંતુ ડીઝલના કિસ્સામાં માત્ર સુરક્ષા કારણોસર આ ટેસ્ટિંગ ફેલ થતાં હાલ પૂરતો ઇથેનોલનો ઉપયોગ રોકી દેવાયો છે.
