વેનેઝુએલા માં ફરજ દરમિયાન મોતને ભેટેલા ભારતીય મર્ચન્ટ નેવીના નાવિક રાકેશ ચૌહાણના મામલામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાકેશનો મૃતદેહ જ્યારે ભારત લાવવામાં આવ્યો અને તેનું બીજી વખત પોસ્ટમોર્ટમ કરાયું, ત્યારે તેના શરીરમાંથી મગજ, હૃદય, ફેફસાં અને લીવર સહિતના મહત્વના અંગો ગાયબ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પરિવારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ મોટા ષડયંત્રની આશંકા વ્યક્ત કરીને કડક તપાસની માંગ કરી છે.
આ ગંભીર મામલે ‘ફેડરેશન ઓફ સીફેઅરર્સ યુનિયન્સ ઓફ ઈન્ડિયા’ (FSUI) એ પણ આકરા સવાલો ઉઠાવ્યા છે. યુનિયને વેનેઝુએલા પ્રશાસન અને ત્યાં આવેલા ભારતીય દૂતાવાસ પાસે તાત્કાલિક તપાસની માંગણી કરી છે.
કોણ હતા રાકેશ ચૌહાણ?
-
33 વર્ષીય રાકેશ ચૌહાણ મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના વતની હતા.
-
તેમનો પરિવાર હાલ મુંબઈમાં રહે છે.
-
તેમણે નવેમ્બર 2025માં મર્ચન્ટ નેવી જોઈન કરી હતી. તેઓ વેનેઝુએલામાં મરીન ફિટર તરીકે કામ કરતા હતા.
કંપનીએ હાર્ટ એટેકનું બહાનું બતાવ્યું હતું
પરિવારના જણાવ્યા અનુસાર, ગત 7 મેના રોજ કંપનીએ ફોન કરીને માહિતી આપી હતી કે રાકેશ જહાજ પર ચક્કર આવવાના કારણે પડી ગયા છે અને તેમને ગંભીર ઈજા થઈ છે. તેના બીજા જ દિવસે કંપનીએ જણાવ્યું કે સારવાર દરમિયાન હાર્ટ એટેક આવવાના કારણે રાકેશનું મોત નીપજ્યું છે.
એક મહિના બાદ શવ ભારત આવતા જ ખુલી પોલ
રાકેશના અવસાનના આશરે એક મહિના બાદ તેમનો મૃતદેહ ભારત લાવવામાં આવ્યો હતો. શંકાના આધારે ભારતમાં ફરીથી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું, જેમાં ડોક્ટરો પણ ચોંકી ગયા હતા. રાકેશના શરીરમાંથી મુખ્ય આંતરિક અંગો ગાયબ હતા.
સીફેઅરર્સ યુનિયને (FSUI) ઉઠાવ્યા ગંભીર સવાલો
FSUI એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને કંપની અને વેનેઝુએલા પ્રશાસન સામે ગંભીર આરોપો લગાવ્યા છે:
-
પરિવારની પરવાનગી વગર શવમાંથી આટલા મહત્વના અંગો કેમ કાઢવામાં આવ્યા?
-
વેનેઝુએલા માં થયેલા પોસ્ટમોર્ટમની રિપોર્ટ પરિવારને કેમ આપવામાં ન આવી?
-
શવ પ્રાપ્તિની રસીદ પર કોણે ખોટી સહી કરી?
-
રોજગાર કરારમાં જે જહાજનું નામ હતું, રાકેશ તેના બદલે બીજા જહાજ પર કેમ ફરજ બજાવી રહ્યા હતા?
યુનિયન અને પરિવારનું કહેવું છે કે આ તમામ પુરાવા કોઈ મોટા ઓર્ગન ટ્રેડિંગ (અંગોની તસ્કરી) અથવા ગુનાહિત કાવતરા તરફ ઈશારો કરે છે. હાલ ભારતીય દૂતાવાસ આ મામલે હસ્તક્ષેપ કરે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે.
