highcourt: બાનાખત રદ કરવા બંને પક્ષોની હાજરી ફરજિયાત: વડોદરામાં છેલ્લા ૨૦ વર્ષના ૨૮૫૬ દસ્તાવેજોની તપાસ શરૂ
ગુજરાત હાઇકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ રાજ્યના મહેસૂલ અને નોંધણી વિભાગ દ્વારા મિલકતના બાનાખત રદ્દીકરણ અંગેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર હવે કોઈપણ મિલકતનું બાનાખત એકપક્ષીય રીતે રદ થઈ શકશે નહીં; તેના માટે ખરીદનાર અને વેચનાર બંને પક્ષકારોની સંમતિ અને રૂબરૂ હાજરી ફરજિયાત રહેશે. આ સાથે જ બાનાખત રદ કરવા માટે અવેજની રકમ પર ૧% રજિસ્ટ્રેશન ફી વસૂલવાની જોગવાઈ અમલી બની છે.
આ આદેશના પગલે વડોદરા શહેર અને જિલ્લાની સબ-રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા વર્ષ ૨૦૦૫થી ૨૦૨૬ સુધીના છેલ્લા ૨૦ વર્ષના જૂના દસ્તાવેજોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન અગાઉ એકતરફી રદ થયેલા ૨૮૫૬ જેટલા બાનાખતો શોધી કાઢવામાં આવ્યા છે. સરકારી તિજોરીને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સબ-રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા સંબંધિત પક્ષકારો પાસેથી કુલ ₹૮.૨૫ કરોડની ઘટતી રજિસ્ટ્રેશન ફી વસૂલવા કાયદેસરની નોટિસો મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરની ચાર મુખ્ય સબ-રજિસ્ટ્રાર કચેરીઓ પૈકી સૌથી વધુ ૧૪૬૧ કેસ એકલા અકોટા વિસ્તારમાં સામે આવ્યા છે. આ ઉપરાંત વડોદરા સિટી કચેરીમાં ૯૩૮, દંતેશ્વરમાં ૪૫૬ અને બાપોદ કચેરીમાં ૧ કેસ નોંધાયો છે.
હાઇકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય કરાર અધિનિયમ-૧૮૭૨ની કલમ-૬૨ મુજબ કોઈપણ મૂળ કરાર રદ કરવા માટે બંને પક્ષોની મંજૂરી આવશ્યક છે. કાયદાકીય દ્રષ્ટિએ એકપક્ષીય રદ્દીકરણનું કોઈ મૂલ્ય રહેતું નથી. અત્યાર સુધી કબજા વગરના બાનાખત માટે માત્ર ₹૩૦૦ના સ્ટેમ્પ પર ₹૧૦૦ ફી ભરીને રદ્દીકરણ થતું હતું, જેના કારણે બિલ્ડરો મનમાની કરીને ગ્રાહકોના બાનાખત રદ કરી દેતા હતા. હવે આ નવી વ્યવસ્થાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અટકશે અને વ્યવહારોમાં પારદર્શિતા આવશે.
