bangladesh: તીસ્તા જળ વિવાદ વચ્ચે બાંગ્લાદેશનું નિવેદન: ભારત સાથે સંબંધો સુધારવા અને ચીનના સહયોગથી પ્રોજેક્ટ વધારવા પર ભાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષો જૂનો તીસ્તા નદીના જળ વિતરણનો વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી શહીદુદ્દીન ચૌધરીએ સ્પષ્ટતા કરી છે કે બાંગ્લાદેશ નવી દિલ્હી સાથે કોઈપણ પ્રકારની કડવાશ કે સંબંધો બગાડવા માંગતું નથી. જોકે, તેમણે ઉમેર્યું હતું કે એક મિત્ર દેશ તરીકે ભારતે બાંગ્લાદેશની જરૂરિયાતો અને હિતોને પણ ધ્યાને રાખવા પડશે. બંને દેશો વચ્ચે સંવાદ અને પરસ્પર સમજના આધારે જ આ ગૂંચવાયેલા પ્રશ્નનો ઉકેલ આવી શકે છે.
તીસ્તા નદી ભારતના સિક્કિમ અને પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી વહીને બાંગ્લાદેશમાં પ્રવેશે છે. ઉત્તરી બાંગ્લાદેશના ખેડૂતો અને સ્થાનિક લોકો માટે આ નદી આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે, જ્યારે પશ્ચિમ બંગાળ માટે પણ સિંચાઈ અને પીવાના પાણીની દ્રષ્ટિએ તે અત્યંત મહત્વપૂર્ણ છે. વર્ષ ૧૯૮૩માં વચગાળાની સમજૂતી બાદ વર્ષ ૨૦૧૧માં પાણીની વહેંચણી માટે નવો મુસદ્દો તૈયાર થયો હતો, પરંતુ પશ્ચિમ બંગાળ સરકારના વાંધાઓને કારણે કરાર પર હસ્તાક્ષર થઈ શક્યા નહોતા. ભારત હંમેશા તમામ પક્ષકારોની સંમતિથી ઉકેલ લાવવા પર ભાર મૂકતું રહ્યું છે.
બીજી તરફ, આ વિવાદ વચ્ચે બાંગ્લાદેશે ચીનના ટેકનિકલ અને નાણાકીય સહયોગથી ‘તીસ્તા રિવર કોમ્પ્રિહેન્સિવ મેનેજમેન્ટ એન્ડ રિસ્ટોરેશન પ્રોજેક્ટ’ ઝડપથી આગળ ધપાવવાની તૈયારી શરૂ કરી છે. આ પ્રોજેક્ટ દ્વારા ઉત્તરી બાંગ્લાદેશના ૫ થી ૬ જિલ્લાઓમાં પૂર નિયંત્રણ, નદી કિનારાનું ધોવાણ અટકાવવા અને સૂકી ઋતુમાં પાણીની અછત દૂર કરવા જેવા કાર્યો હાથ ધરાશે. વડાપ્રધાન તારિક રહેમાનની તાજેતરની બીજિંગ મુલાકાત દરમિયાન ચીનના વરિષ્ઠ નેતૃત્વ સાથે આ પ્રોજેક્ટના અભ્યાસને વેગ આપવા વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત, બંને દેશો વચ્ચે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને અન્ય આરોપીઓના પ્રત્યાર્પણ મામલે પણ રાજદ્વારી સ્તરે તણાવ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ‘બાંગ્લાદેશ ફર્સ્ટ’ નીતિ અપનાવીને ભારપૂર્વક જણાવ્યું છે કે ઉચ્ચ સ્તરીય મુલાકાતો પૂર્વે અનુકૂળ વાતાવરણ બનવું જરૂરી છે. તીસ્તા નદીનો જળ વિવાદ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ આગામી સમયમાં બંને દેશો વચ્ચેની કૂટનીતિ માટે નિર્ણાયક સાબિત થશે.
