કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા એ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ 2028ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે વધતી ઉંમર, નાજુક સ્વાસ્થ્ય અને રાજકારણમાં વધતા ભ્રષ્ટાચારને આ નિર્ણયનું કારણ ગણાવ્યું છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાજકારણમાં સક્રિય રહેશે.
લોકોના અવાજ બનીને કામ કરતા રહેશે
સોશિયલ મીડિયા X (ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને 79 વર્ષીય સિદ્ધારમૈયાએ પોતાની વાત મૂકી હતી.
તેમણે લખ્યું:
“આજે રાજકીય ક્ષેત્ર ખૂબ ભ્રષ્ટ થઈ ગયું છે. તેથી હું 2028ની ચૂંટણી નહીં લડું. પરંતુ હું જાહેર જીવનમાં સક્રિય રહીશ અને લોકોના સુખ-દુઃખનો અવાજ બનતો રહીશ.”
તેમણે ઉમેર્યું કે વરુણા મતવિસ્તારના લોકો તેમને ફરી ચૂંટણી લડવા વિનંતી કરી રહ્યા હતા. પરંતુ તેમણે ભવિષ્યમાં કોઈ ચૂંટણી ન લડવાનો નિર્ણય કરી લીધો છે.
ઉંમર અને સ્વાસ્થ્ય બન્યા મુખ્ય કારણ
પોતાના આ નિર્ણય અંગે સિદ્ધારમૈયાએ ઉંમરનો ઉલ્લેખ કર્યો હતો.
-
હાલની સરકારનો કાર્યકાળ પૂરો થશે ત્યારે તેમની ઉંમર 81 થી 82 વર્ષ થઈ જશે.
-
હાલમાં તેમની ઉંમર 79 વર્ષ છે.
-
તેમનું સ્વાસ્થ્ય હવે પહેલા જેવું મજબૂત નથી રહ્યું.
-
પહેલા જેવા ઉત્સાહ અને જોશથી કામ કરવું હવે શક્ય નથી.
5 દાયકાની લાંબી રાજકીય સફર
સિદ્ધારમૈયા એ તેમની પાંચ દાયકા લાંબી રાજકીય કારકિર્દીને યાદ કરી હતી. 2028માં તેમને જાહેર જીવનમાં 50 વર્ષ પૂરા થશે.
તેમણે 1978માં તાલુક બોર્ડના સભ્ય તરીકે રાજકારણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે તેમણે હાર અને જીત બંને જોઈ છે. પરંતુ તેમણે ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી નથી.
“ઈમાનદાર રાજકારણ માટે હવે જગ્યા નથી”
ચૂંટણી રાજકારણના બદલાતા સ્વરૂપ પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે, “આજે ચૂંટણી લડવા માટે લોકોને પૈસા આપવા પડે છે. રાજકારણ પૂરી રીતે ભ્રષ્ટ થઈ ગયું છે. ઈમાનદાર રાજકારણ માટે હવે કોઈ જગ્યા બચી નથી.”
ડી.કે. શિવકુમાર બન્યા છે નવા મુખ્યમંત્રી
નોંધનીય છે કે લાંબી ખેંચતાણ બાદ સિદ્ધારમૈયા એ મે મહિનામાં કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારપછી ડી.કે. શિવકુમારને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે જ અટકળો વહેતી થઈ હતી કે સિદ્ધારમૈયા ટૂંક સમયમાં પોતાની રાજકીય સફર અંગે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
