ઇન્ડિયન પ્રીમિયર લીગ 2027 (IPL 2027) માટે ટ્રેડિંગ વિન્ડો ખૂલી ગઈ છે. આ વિન્ડો ખુલતાની સાથે જ ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. પ્રથમ મોટો ટ્રેડ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે થયો છે. ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સમાં વાપસી થઈ છે. જ્યારે કુલદીપ યાદવ હવે લખનૌ સુપર જાયન્ટ્સમાં ટ્રેડ થયો છે.
હવે સૌથી મોટા સમાચાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઈને આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI) સાથેનો પોતાનો સંબંધ તોડી શકે છે. આઈપીએલની બે ભૂતપૂર્વ ચેમ્પિયન ટીમો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) તેને પોતાની ટીમમાં લેવા માંગે છે.
KKR અને MI મેનેજમેન્ટ વચ્ચે ગુપ્ત વાતચીત
એક આઈપીએલ સૂત્રના જણાવ્યા અનુસાર, કોલકાતા નાઈટ રાઈડર્સના ટોચના મેનેજમેન્ટ અને મુંબઈ ઈન્ડિયન્સના માલિકો વચ્ચે ઘણી વખત વાતચીત થઈ ચૂકી છે. હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી ઉતાર-ચઢાવવાળી રહી છે. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ માત્ર એક જ વાર પ્લેઓફમાં પહોંચી શકી હતી.
સૂત્રોએ જણાવ્યું કે, અજિંક્ય રહાણે કામચલાઉ કેપ્ટન હતો અને આ સીઝન પછી KKR તેને રીલીઝ કરશે તે નક્કી છે. KKRના અધિકારીઓએ ગયા સીઝનના અંતે જ મુંબઈ ઈન્ડિયન્સ સાથે વાત કરી હતી, પરંતુ તે સમયે રિલાયન્સની વાર્ષિક એજીએમ (AGM)ના કારણે વાત આગળ વધી શકી નહોતી. હવે ફરી એકવાર બંને ટીમો વચ્ચે વાતચીત શરૂ થઈ છે, જોકે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.
KKRમાં હાર્દિકને મળી શકે છે કપ્તાની
જો હાર્દિક પંડ્યા કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માં જોડાશે, તો ટીમની કમાન તેના હાથમાં રહેશે તે લગભગ નક્કી છે. હાલમાં રિન્કુ સિંહ કેપ્ટનશિપ માટે યોગ્ય વિકલ્પ દેખાતો નથી. આ ટ્રેડ માત્ર પૈસાના બદલામાં થશે કે ખેલાડીઓના અદલાબદલી (Player Swap) દ્વારા, તે હજુ સ્પષ્ટ થયું નથી.
આઈપીએલના નિયમો મુજબ, કોઈ પણ ખેલાડી સીધો અન્ય ફ્રેન્ચાઈઝી સાથે વાત ન કરી શકે. આ ટ્રેડ બે ફ્રેન્ચાઈઝી વચ્ચે જ શક્ય બને છે, જેમાં ખેલાડીની સંમતિ પણ જરૂરી હોય છે.
રાજસ્થાન રોયલ્સે પણ ઓફર કરી મોટી ડીલ
બીજી તરફ, રાજસ્થાન રોયલ્સે પણ હાર્દિક પંડ્યાને ખરીદવામાં રસ દાખવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સ તરફથી યશસ્વી જયસ્વાલના બદલામાં હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવાની ઓફર મળી હોવાના અહેવાલ છે. જોકે આ ડીલ કેટલી આગળ વધી છે તેની પુષ્ટિ થઈ નથી.
રાજસ્થાન રોયલ્સ ભવિષ્યમાં રિયાન પરાગને લાંબા ગાળાના કેપ્ટન તરીકે જોઈ રહ્યું છે. તેથી જો હાર્દિક પંડ્યા રાજસ્થાનમાં જાય છે, તો તેને કેપ્ટનશિપ મળવી મુશ્કેલ લાગી રહી છે. હવે જોવાનું એ રહેશે કે IPL 2027માં હાર્દિક કઈ જર્સીમાં જોવા મળે છે.
