તાજેતરમાં તમિલનાડુમાં નવી સરકારની રચના થઈ છે અને સુપરસ્ટાર વિજય રાજ્યના નવા મુખ્યમંત્રી (CM) બન્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ કલાકારો તેમને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન, દક્ષિણ ભારતીય સિનેમાના થલાઈવા રજનીકાંતે સીએમ વિજય અને પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
એમકે સ્ટાલિન સાથેની મુલાકાત માત્ર સૌજન્ય મુલાકાત હતી
રવિવારે પત્રકારો સાથે વાતચીત કરતા રજનીકાંતે સ્પષ્ટ કર્યું કે દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK)ના અધ્યક્ષ અને પૂર્વ સીએમ એમકે સ્ટાલિન સાથે તેમની તાજેતરની મુલાકાત સંપૂર્ણપણે મૈત્રીપૂર્ણ હતી. તેમણે કહ્યું કે આ મુલાકાત પાછળ કોઈ રાજકીય હેતુ નહોતો. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો ખોટા છે.
વિજયને સીએમ બનતા રોકવાનો કોઈ પ્રયાસ નહોતો
પોએસ ગાર્ડન સ્થિત પોતાના નિવાસસ્થાને રજનીકાંતે જણાવ્યું કે, સ્ટાલિન સાથેની તેમની મુલાકાત વિજયને મુખ્યમંત્રી બનતા રોકવા માટેની કે કોઈ રાજકીય પક્ષોના વિલય માટેની નહોતી. તેમણે સીએમ વિજય પ્રત્યે ઈર્ષ્યા હોવાની વાતોને પણ સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.
વિજય સાથે ૨૫ વર્ષનો તફાવત, ઈર્ષ્યા કેમ હોય?
તમિલગા વેત્રી કઝગમ (TVK)ના સ્થાપક અને સીએમ વિજયની પ્રશંસા કરતા રજનીકાંતે કહ્યું:
-
“મારા અને મુખ્યમંત્રી વિજય વચ્ચે ૨૫ વર્ષનો પેઢીગત તફાવત છે.”
-
“મેં વિજયને નાનપણથી જોયો છે. જો તે મુખ્યમંત્રી બન્યા છે, તો મને તેમની ઈર્ષ્યા કેમ હોય?”
-
“માત્ર ૫૨ વર્ષની નાની ઉંમરે તેમણે જે પ્રભાવશાળી સિદ્ધિઓ મેળવી છે, તે અદ્ભુત છે.”
MGR અને NTR કરતાં પણ મોટી ઉપલબ્ધિ
રજનીકાંતે આગળ ઉમેર્યું કે, સીએમ વિજયે મેળવેલી સફળતા સિનેમા અને રાજનીતિના દિગ્ગજ નેતાઓ એમજીઆર (એમજી રામચંદ્રન) અને એનટીઆર (એનટી રામારાવ)ની ઉપલબ્ધિઓ કરતાં પણ ઘણી મોટી છે. એમજીઆર તમિલનાડુના અને એનટીઆર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. રજનીકાંતે વિજયને સીએમ બનવા બદલ દિલથી અભિનંદન પણ પાઠવ્યા હતા અને તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
