Ohh My Dog’: માણસ અને શ્વાન વચ્ચેના અનોખા સંબંધ પર બનેલી ફિલ્મો હંમેશાં દર્શકોના દિલને સ્પર્શી જાય છે. ‘હાચી’, ‘ચાર્લી ૭૭૭’ અને ‘બેંજી’ જેવી ફિલ્મો બાદ હવે ‘Ohh My Dog’ ફિલ્મ વફાદારી, પ્રેમ અને મિસ્ટ્રી-ડ્રામાની બે સમાંતર વાર્તાઓ લઈને આવી છે.
શું છે ફિલ્મની વાર્તા?
ફિલ્મની વાર્તા બે અલગ-અલગ રાજ્યો—અસમ અને બિહારમાં આકાર લે છે. અસમમાં નાના બાળક અપ્પુનો પાલતુ ઈન્ડી ડોગ ‘મોમો’ રમતા રમતા ગાયબ થઈ જાય છે. અપ્પુ તેની શોધમાં નીકળે છે અને આ શોધ તેને એક મોટા ડોગ-ટ્રાફિકિંગ રેકેટ સુધી પહોંચાડે છે. બીજી તરફ, બિહારમાં એક ગરીબ મજૂર પ્રિન્સ અચાનક ગુમ થઈ જાય છે, જેના પછી તેનો વફાદાર સ્ટ્રે ડોગ ‘ઓસ્કાર’ પોતાના માલિકને શોધવા નીકળે છે. આ શોધ આગળ જતાં એક ખતરનાક કિડની રેકેટનો પર્દાફાશ કરે છે.
ઓસ્કારની એક્ટિંગ અને શાનદાર સિનેમેટોગ્રાફી
ડાયરેક્ટર અમિત રાયે આ ફિલ્મને બાળકોની ડિટેક્ટીવ સ્ટોરીની જેમ ટ્રીટ કરી છે. ફિલ્મનું સૌથી મોટું આકર્ષણ ‘ઓસ્કાર’ નામના શ્વાનની એક્ટિંગ અને Máté Herbai ની સિનેમેટોગ્રાફી છે. સોંકડો વાસ્તવિક શ્વાન અને રીયલ લોકેશન્સ પર શૂટ થવાને કારણે ફિલ્મ ખુબ જ રીયલ અનુભવ કરાવે છે.
પંકજ ત્રિપાઠી અને સ્ટાર કાસ્ટનું પરફોર્મન્સ
પંકજ ત્રિપાઠી એક શિક્ષકના રોલમાં પ્રિન્સના મિત્રોને મદદ કરતા જોવા મળે છે. પવન મલ્હોત્રા, રાજેશ કુમાર અને બાળ કલાકાર માહી રાયે પોતાના પાત્રોને ઉત્તમ ન્યાય આપ્યો છે. ફિલ્મમાં કેટલાક લોજિકલ ગેપ્સ અને સ્લો પેસ હોવા છતાં, અપ્પુ-મોમો અને ઓસ્કાર-પ્રિન્સ વચ્ચેનો ઈમોશનલ બોન્ડ દર્શકોને બાંધી રાખે છે.
રેટિંગ: ૩/૫
નિર્દેશક: અમિત રાય, ગુરબીર સિંહ
