દુનિયામાં ચૂંટણીને લઈને ઘણી અજીબોગરીબ ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ આ વખતે નાઇજીરિયામાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. અહીં એક 16 વર્ષના કિશોરે ચૂંટણી લડવા માટે સત્તાવાર દસ્તાવેજોમાં પોતાની ઉંમર 30 વર્ષ દર્શાવી દીધી હતી.
-
નાઇજીરિયાના નેતા મહમૂદ સાદિસ બૂબા પોતાની ખોટી ઉંમર બતાવવાના વિવાદમાં ફસાયા છે.
-
ચૂંટણી લડવા માટે તેમણે પોતાની ઉંમર સરકારી રેકોર્ડમાં 30 વર્ષ જણાવી હતી.
-
મીડિયા તપાસમાં ખુલાસો થયો છે કે તેમની સાચી ઉંમર માત્ર 16 વર્ષની આસપાસ છે.
-
વિવાદ વધતા આ યુવા નેતાએ હવે ચૂંટણી રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
કોણ છે મહમૂદ સાદિસ બૂબા?
મહમૂદ સાદિસ બૂબા નાઇજીરિયાના સ્થાનિક લોકોમાં “અબિન અલ-અજાબી” (જેનો અર્થ ‘અજૂબો’ થાય છે) ના નામે પ્રખ્યાત છે. તેમણે વર્ષ 2027 માં યોજાનારી ચૂંટણીમાં ‘હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ’ (સંસદની બેઠક) માટે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારથી જ તેઓ ભારે ચર્ચામાં આવ્યા હતા.
નાઇજીરિયાના બંધારણ મુજબ ચૂંટણી લડવા માટે લઘુત્તમ ઉંમર 30 વર્ષ હોવી જરૂરી છે. બૂબાએ આ શરત પૂરી કરવા માટે પોતાની ઉંમર 30 વર્ષ ગણાવી હતી.
મીડિયા રિપોર્ટમાં આ રીતે ફૂટ્યો ભાંડો
બૂબા દેખાવમાં ખૂબ જ નાની ઉંમરના દેખાતા હોવાથી સોશિયલ મીડિયા પર તેમની ઉંમરને લઈને સવાલો ઉઠવા લાગ્યા હતા. આ દરમિયાન જાણીતા મીડિયા હાઉસ ‘પીપલ્સ ગેઝેટ’ દ્વારા નાઇજીરિયાના ઓફિશિયલ ઓળખ રેકોર્ડની તપાસ કરવામાં આવી. આ તપાસમાં દાવો કરાયો કે બૂબાની અસલી ઉંમર માત્ર 16 વર્ષ જ છે.
આ મામલો ત્યારે વધુ ગૂંચવાયો જ્યારે બીબીસી પિજિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં બૂબાએ પોતે 25 વર્ષના હોવાનો દાવો કર્યો અને કહ્યું કે તેઓ આ પદ માટે સંપૂર્ણ લાયક છે.
‘મને વામનત્વ (Dwarfism) છે’: નેતાજીનો વિચિત્ર દાવો
જ્યારે લોકોએ તેમની નાની કદ-કાઠી પર સવાલો ઉઠાવ્યા, ત્યારે બૂબાએ એક નવો દાવો કર્યો. તેમણે કહ્યું કે તેમને વામનત્વ (Dwarfism) ની બીમારી છે અને આ સ્થિતિ તેમને વારસામાં તેમના દાદા તરફથી મળી છે. તેમણે એમ પણ કહ્યું કે તેમનું નાનું કદ સંસદમાં સેવા આપવાની તેમની ક્ષમતાને ક્યારેય નડશે નહીં.
પરંતુ ટૂંક સમયમાં જ સોશિયલ મીડિયા પર તેમનું બર્થ સર્ટિફિકેટ અને અન્ય દસ્તાવેજો લીક થઈ ગયા. આ લીક થયેલા કાગળો જોયા પછી લોકોએ તેમના વામનત્વના દાવા પર પણ ગંભીર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે.
પાર્ટીના હિતમાં ચૂંટણીમાંથી પાછળ હટ્યા
બીબીસીના અહેવાલ મુજબ, આ મોટો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મહમૂદ સાદિસ બૂબાએ ચૂંટણી લડવાનો નિર્ણય પડતો મૂક્યો છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી હતી.
તેમણે પોતાની પાર્ટી ‘ઓલ પ્રોગ્રેસિવ્સ કોંગ્રેસ’ (APC) ના અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું કે તેઓ આ નિર્ણય પાર્ટીના હિતને ધ્યાનમાં રાખીને લઈ રહ્યા છે. જો કે આ ઘટના બાદ નાઇજીરિયામાં ઉમેદવારોના દસ્તાવેજોની તપાસ પ્રક્રિયાને લઈને જનતામાં ભારે નારાજગી છે અને મોટી ચર્ચા છેડાઈ ગઈ છે. સત્તાવાળાઓએ હજી સુધી આ લીક થયેલા દસ્તાવેજો પર કોઈ સત્તાવાર મહોર મારી નથી.
< /p>
