અમદાવાદના મોટેરા વિસ્તારમાં જનપથ ચાર રસ્તા પાસે મોડી રાત્રે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. એક પૂરઝડપે આવતી કારે એક્ટિવા સવાર ત્રણ મિત્રોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. અ આ ગમખ્વાર અકસ્માતમાં 21 વર્ષીય આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે તેની પાછળ બેઠેલા અન્ય બે મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્ય હાઈલાઈટ્સ:
-
મોટેરા જનપથ ચાર રસ્તા પાસે રાત્રે 1:30 વાગ્યે સર્જાયો અકસ્માત.
-
21 વર્ષીય અંકિતકુમાર પટેલનું અકસ્માતમાં મોત, પરિવારનો એકનો એક પુત્ર ગુમાવ્યો.
-
હિટ એન્ડ રન સર્જી ફરાર થયેલો આરોપી વેદાંત ગૌતમ ઝડપાયો.
-
પોલીસે અદાણી શાંતિગ્રામમાંથી આરોપીની કાર સાથે ધરપકડ કરી.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
સાબરમતી ન્યૂ રેલવે કોલોનીમાં રહેતા અંકિતકુમાર પટેલ તેના બે મિત્રો જસવંત ઠાકોર અને ગૌતમ સોલંકી સાથે એક્ટિવા પર જઈ રહ્યો હતો. ગત રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જ્યારે તેઓ જનપથ ચાર રસ્તા પસાર કરી રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરઝડપે આવતી એક કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે અંકિતનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું, જ્યારે તેના બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં ફેંકાઈ ગયા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી લઈને સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. અંકિતના પિતા હિતેન્દ્રભાઈ પટેલે આ મામલે એલ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ અને તપાસના આધારે અદાણી શાંતિગ્રામમાં રહેતા 24 વર્ષીય વેદાંત અમિત ગૌતમને આજે બપોરે તેની કાર સાથે દબોચી લીધો છે.
પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો
21 વર્ષીય અંકિત તેના પિતાનો એકમાત્ર પુત્ર હતો. એકાએક બનેલી આ ઘટનાથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
