લોસ એન્જલસ ઓલિમ્પિક 2028 (LA28)માં ક્રિકેટની ઐતિહાસિક વાપસી થવા જઈ રહી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ આ માટેના સત્તાવાર ક્વોલિફિકેશન નિયમો જાહેર કરી દીધા છે. આ નિયમો અનુસાર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે.
T20 ફોર્મેટમાં રમાશે મેચો
2028 ઓલિમ્પિકમાં ક્રિકેટના મુકાબલા T20 ફોર્મેટમાં રમાશે. આ મેગા ઇવેન્ટમાં દુનિયાભરમાંથી માત્ર 6 મેન્સ અને 6 વુમેન્સ ટીમોને જ રમવાની તક મળશે. આ ટૂર્નામેન્ટમાં એશિયા, આફ્રિકા, યુરોપ અને ઓશેનિયા જેવા અલગ-અલગ ખંડોની ટીમો સામેલ થશે.
ભારતીય મહિલા ટીમે કેવી રીતે કર્યું ક્વોલિફાય?
વુમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના પરિણામોના આધારે ઓલિમ્પિક માટે પ્રથમ 4 મહિલા ટીમોના નામ નક્કી થઈ ગયા છે. નિયમ મુજબ, ચાર અલગ-અલગ ખંડોમાંથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી એક-એક ટીમ પસંદ કરવામાં આવી છે:
-
એશિયા: ભારત
-
ઓશેનિયા: ઓસ્ટ્રેલિયા
-
યુરોપ: ઇંગ્લેન્ડ (ગ્રેટ બ્રિટન)
-
આફ્રિકા: સાઉથ આફ્રિકા
યજમાન અમેરિકા માટે ખાસ શરત
યજમાન હોવાને કારણે અમેરિકાની મેન્સ અને વુમેન્સ ટીમોને ઓલિમ્પિકમાં ડાયરેક્ટ એન્ટ્રી મળી શકે છે. પરંતુ આ માટે એક શરત રાખવામાં આવી છે. અમેરિકાની ટીમોએ 30 જૂન 2026થી 31 ડિસેમ્બર 2026 વચ્ચે ICC T20 રેન્કિંગમાં ટોપ-15માં સ્થાન મેળવવું પડશે. જો તેઓ આ ક્રમમાં નહીં આવે, તો ડાયરેક્ટ એન્ટ્રી ગુમાવવી પડશે.
વેસ્ટ ઈન્ડિઝ માટે અલગ નિયમ
વેસ્ટ ઈન્ડિઝ કોઈ એક દેશ નથી, પરંતુ ઘણા કેરેબિયન દેશોની સંયુક્ત ટીમ છે. ઓલિમ્પિકમાં કોઈ સંયુક્ત ટીમ રમી શકતી નથી. તેથી, જો વેસ્ટ ઈન્ડિઝ 31 ડિસેમ્બર 2026 સુધીમાં ટોપ-8માં રહેશે, તો આ કેરેબિયન દેશો વચ્ચે એક અલગ ટૂર્નામેન્ટ રમાશે. તેમાંથી જીતનાર એક જ દેશ ઓલિમ્પિક ક્વોલિફાયર રમી શકશે.
છેલ્લી ટીમનો નિર્ણય ક્વોલિફાયરથી થશે
ઓલિમ્પિકની પ્રથમ 5 ટીમોનો નિર્ણય રેન્કિંગ અને પ્રદર્શનના આધારે થશે. જ્યારે છઠ્ઠી અને છેલ્લી ટીમ પસંદ કરવા માટે વર્ષ 2027માં એક ખાસ ‘ICC ઓલિમ્પિક ક્વોલિફાયર’ ટૂર્નામેન્ટ રમાશે. આ ટૂર્નામેન્ટમાં 8 ટીમો ભાગ લેશે અને વિજેતા ટીમને ઓલિમ્પિકની છેલ્લી ટિકિટ મળશે.
