અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ દ્વારા સ્વિટ્ઝર્લેન્ડમાં આપવામાં આવેલા એક નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે. જેડી વેન્સે કહ્યું હતું કે, “અમે પાકિસ્તાનને પ્રેમ કરીએ છીએ.” આ નિવેદન સામે આવતા જ ખુદ તેમની રિપબ્લિકન પાર્ટીના બે વરિષ્ઠ સીનેટર્સે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જેડી વેન્સને પાકિસ્તાનનો આતંકવાદનો ઇતિહાસ યાદ રાખવાની સલાહ આપી છે.
સીનેટર રિક સ્કોટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “હવે બધાને સ્પષ્ટ થઈ જવું જોઈએ કે આપણા અસલી મિત્રો કોણ છે. કતાર અને પાકિસ્તાનનો આતંકવાદીઓને આશરો આપવાનો લાંબો ઇતિહાસ રહ્યો છે.”
ઈરાન સાથે શાંતિ કરારની ચર્ચા વચ્ચે આપ્યું નિવેદન
જેડી વેન્સ પાકિસ્તાન અને કતારના નેતાઓ સાથે ઈરાન શાંતિ કરારની તકનીકી બાબતો પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે તેમણે આ વાત કહી હતી. આ અંગે સીનેટર સ્કોટે ઉમેર્યું કે, કતાર અને પાકિસ્તાન અત્યારે શાંતિ સ્થાપવા કરતાં ઈરાનના દાયકાઓ જૂના આતંકી અભિયાનને પ્રોત્સાહન આપવામાં વધુ રસ દાખવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન કોઈપણ સંજોગોમાં પરમાણુ હથિયાર ન બનાવી શકે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
‘પાકિસ્તાને ઓસામા બિન લાદેનને છુપાવ્યો હતો’
બીજી તરફ, મૉન્ટાનાના સીનેટર ટિમ શીહીએ પણ ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે અલ-કાયદાના આકા ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કર્યો. શીહીએ કહ્યું, “આપણે એ ન ભૂલવું જોઈએ કે આ જ પાકિસ્તાને એક દાયકા સુધી ઓસામા બિન લાદેનને છુપાવી રાખ્યો હતો અને આઈએસઆઈ (ISI) દ્વારા આયતુલ્લાહને ફંડ આપ્યું હતું.”
સીનેટર શીહીએ માંગ કરી છે કે જો પાકિસ્તાન અને કતાર વાટાઘાટોના ટેબલ પર હોય, તો અમેરિકાએ આ ચર્ચામાં યુએઈ (UAE), ઇઝરાયેલ અને સાઉદી અરેબિયાને પણ સામેલ કરવા જોઈએ. આ દેશો મધ્ય પૂર્વમાં અમેરિકાના અસલી અને વફાદાર સાથી રહ્યા છે.
પાકિસ્તાનની મધ્યસ્થતા પર ઉઠ્યા સવાલ
મૉન્ટાનાના સીનેટરે વધુમાં જણાવ્યું કે કતાર દાયકાઓથી આતંકવાદી સંગઠનો માટે મની લોન્ડરિંગ કરી રહ્યું છે. તેમણે કહ્યું, “પાકિસ્તાનીઓએ ISI દ્વારા અમારા સૈનિકો સામેના વિદ્રોહને ફંડ આપ્યું. તેથી તેઓ અહીં નિષ્પક્ષ મધ્યસ્થની ભૂમિકા ભજવશે તેવું માની લેવું ખોટું છે. આપણે યુએઈ અને ઇઝરાયેલ સાથે મજબૂતીથી ઊભા રહેવું પડશે.”
જેડી વેન્સે બરાબર શું કહ્યું હતું?
વાસ્તવમાં, જેડી વેન્સે રવિવારે હળવા અંદાજમાં એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર તેમના બે મનપસંદ લોકોમાંથી એક છે.
વેન્સે મજાકિયા અંદાજમાં કહ્યું, “જ્યારથી ફીલ્ડ માર્શલ મુનીરે ઈસ્લામાબાદમાં વડાપ્રધાન સાથે અમારું સ્વાગત કર્યું છે, ત્યારથી હું કહી રહ્યો છું કે મારા જીવનમાં બે ખૂબ જ મહત્વપૂર્ણ લોકો છે. જેમાંથી એક ભારતીય છે અને એક પાકિસ્તાની છે. ભારતીય તો મારી પત્ની (ઉષા વેન્સ) છે અને બીજા પાકિસ્તાની ફીલ્ડ માર્શલ મુનીર છે.” તેમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં તેમણે મુનીર સાથે સૌથી વધુ વાતચીત કરી છે.
