ભારતે રવિવારે ન્યૂઝીલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપ 2026 જીતી લીધો છે. આ ઐતિહાસિક જીતના હીરો રહેલા ઈશાન કિશન અત્યારે ઊંડા સદમામાં છે. વર્લ્ડ કપ ફાઈનલના માત્ર બે દિવસ પહેલા જ એક માર્ગ અકસ્માતમાં ઈશાનના પિતરાઈ બહેન અને બનેવીનું નિધન થયું હતું. આટલા મોટા આઘાત છતાં ઈશાન મેદાનમાં ઉતર્યો અને દેશને ચેમ્પિયન બનાવ્યો.
ફાઈનલ પહેલા જ સર્જાયો અનર્થ
શુક્રવારે એક કાર અકસ્માતમાં તેના પરિવારે પોતાના બે સભ્યો ગુમાવ્યા હતા. ઈશાનના પિતા પ્રણવ પાંડેએ ભારે હૈયે જણાવ્યું કે, “અનર્થ થઈ ગયો છે, અમારો આખો પરિવાર આઘાતમાં છે. ઈશાન અમને મળવા આવવા માંગતો હતો, પરંતુ દેશ માટે ફાઈનલ રમવી જરૂરી હતી, તેથી તે આવી શક્યો નહીં.”
મેદાન પર દેખાયું ઈશાનનું ધૈર્ય
રિપોર્ટ અનુસાર, પ્રેક્ટિસ સેશન દરમિયાન તે ખૂબ જ શાંત અને ઉદાસ જણાતો હતો. સાથી ખેલાડીઓએ તેની હિંમત વધારી હતી. વ્યક્તિગત દુઃખને બાજુ પર રાખીને ઈશાન જ્યારે બેટિંગ કરવા ઉતર્યો ત્યારે તેણે આક્રમક રમત બતાવી હતી.
મેચમાં ઈશાનનું પ્રદર્શન:
બેટિંગ: માત્ર 25 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમી.
ફિલ્ડિંગ: આઉટફિલ્ડમાં બે અદભૂત કેચ ઝડપીને કીવી બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા.
ટૂર્નામેન્ટ રેકોર્ડ: ઈશાન કિશને આખા વર્લ્ડ કપમાં 317 રન બનાવીને ચોથા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.
આકાશ તરફ બેટ ઉઠાવી શ્રદ્ધાંજલિ આપી
જ્યારે ઈશાન કિશને પોતાની અડધી સદી પૂરી કરી, ત્યારે તેણે પોતાનું બેટ આકાશ તરફ ઉઠાવ્યું હતું. આ ક્ષણ જોઈને ફેન્સ ભાવુક થઈ ગયા હતા. તે તેના દિવંગત પરિવારના સભ્યોને યાદ કરી રહ્યો હતો. ઈશાનની આ દેશભક્તિ અને વ્યાવસાયિક અભિગમને કારણે આખો દેશ તેને સલામ કરી રહ્યો છે.
