Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ઈડરની હસનપુરા શાળામાં મોટી બેદરકારી: મધ્યાહન ભોજનમાંથી મૃત ગરોળી નીકળી, 37 બાળકોને ફૂડ પોઈઝનિંગ

ઈડરની હસનપુરા શાળામાં મોટી બેદરકારી: મધ્યાહન ભોજનમાંથી મૃત ગરોળી નીકળી, 37 બાળકોને ફૂડ પોઈઝનિંગ

સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા હસનપુરા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ પીરસાયેલા ખોરાકમાંથી મૃત ગરોળી મળી આવતા ભારે સનસનાટી મચી ગઈ છે. આ દૂષિત ખોરાક ખાવાથી શાળાના 37 જેટલા ભૂલકાંઓને ફૂડ પોઈઝનિંગ થતાં તાત્કાલિક ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ગરોળી નીકળતા સ્ટાફે મામલો દબાવવા કર્યો પ્રયાસ

સોમવારે (10 ઓગસ્ટ) શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકોને મધ્યાહન ભોજનમાં ‘મગ ચાટ’ પીરસવામાં આવી રહી હતી. પીરસવાની ડોલમાંથી અચાનક મૃત ગરોળી નજરે પડતાં સ્ટાફ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી.

પોતાની ઘોર બેદરકારી છુપાવવા માટે સ્ટાફના કોઈ કર્મચારીએ ગરોળીને કાગળમાં વીંટી શાળાની બહાર ફેંકી દઈ મામલો રફેદફે કરવાનો હીન પ્રયાસ કર્યો હતો. પરંતુ, સતર્ક બાળકોએ ગરોળી વીંટાળેલો કાગળ શોધી કાઢ્યો હતો અને વાલીઓને બોલાવી આખી ઘટનાનો વીડિયો પુરાવા તરીકે શૂટ કરાવી લીધો હતો.

37 બાળકો હોસ્પિટલમાં દાખલ, વાલીઓમાં ભારે આક્રોશ

દૂષિત ખોરાક આરોગ્યા બાદ બાળકોને ઉલટી, ઉબકા અને પેટમાં ઉપડેલા અસહ્ય દુખાવાની ફરિયાદ થઈ હતી. શાળાના કુલ 166 બાળકોમાંથી 37 બાળકોની તબિયત લથડતા તેમને એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. બાળકોની હોસ્પિટલમાં દાખલ થવાની خبر મળતા જ ચિંતિત વાલીઓના ટોળેટોળાં હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડ્યા હતા.

અધિકારીઓ દોડી આવ્યા, કડક તપાસના આદેશ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નાયબ કલેક્ટર રોનક પટેલ, મામલતદાર પૂજા જોશી અને તાલુકા આરોગ્ય અધિકારી ધ્રુવ પટેલ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તબીબોએ તમામ બાળકોને જરૂરી સારવાર આપીને હાલ તમામ બાળકો ભયમુક્ત હોવાની પુષ્ટિ કરી છે.

નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે:

“ઘટના અત્યંત ગંભીર છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા છે. તપાસમાં જે કોઈ આચાર્ય, શિક્ષક કે મધ્યાહન ભોજન સ્ટાફની બેદરકારી સામે આવશે, તેમની સામે આકરામાં આકરી કાનૂની અને શિસ્તવિષયક કાર્યવાહી કરવામાં આવશે.”


સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: ચૂંટણીના દિવસે પારો 43 ડિગ્રીએ પહોંચશે, હવામાન વિભાગની ભયાનક આગાહી

praxpatel

‘જિંદગી નર્ક બની શકે છે’, રજનીકાંતે યુવાઓને કેમ આપી આવી સલાહ? કહ્યું- નશાને કહો ‘ના’

praxpatel

ખામેનેઈની અંતિમ વિદાય: ઈરાનના વિદેશ મંત્રી અને સ્પીકર રડી પડ્યા, ભાવુક વીડિયો આવ્યો સામે

praxpatel