ભારતીય ક્રિકેટ ટીમ જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. જ્યાં ટીમ ઈન્ડિયા 5 ટી-20 અને 3 વન-ડે મેચોની સિરીઝ રમશે. આ મહત્વપૂર્ણ પ્રવાસની વન-ડે સિરીઝ માટે હજી ટીમની જાહેરાત બાકી છે. પરંતુ તે પહેલા જ ભારતીય ટીમને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના રૂપમાં એક બહુ મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા અનફિટ હોવાના કારણે આ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે.
પગમાં ખેંચાણને કારણે હાર્દિક બહાર
ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યાને પહેલા પીઠના દુખાવાની (Back Spasms) સમસ્યા હતી. હવે તેને પગમાં ખેંચાણ (Muscle Strain) થવાની નવી ઈજા થઈ છે. આ કારણે ભારતીય ટીમમાં તેની વાપસી પાછી ઠેલાઈ છે. IPL 2026 પૂરી થયા બાદથી જ હાર્દિક પંડ્યા પોતાની પીઠની સમસ્યા માટે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં રિપોર્ટ કરી રહ્યો હતો. વન-ડે વર્લ્ડ કપ 2027ને ધ્યાનમાં રાખતા હાર્દિક ભારત માટે ખૂબ જ મહત્વનો ખેલાડી છે.
ફિટનેસ ટેસ્ટ પહેલા જ થયો અનફિટ
BCCIએ ઈંગ્લેન્ડ પ્રવાસની વન-ડે ટીમ પસંદ કરતા પહેલા હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીનો ફિટનેસ ટેસ્ટ લેવાનો નિર્ણય કર્યો હતો. આ બંને ખેલાડીઓએ 22 જૂને COEમાં પોતાની ફિટનેસ સાબિત કરવાની હતી. પરંતુ આ ટેસ્ટ યોજાય તે પહેલા જ હાર્દિક પંડ્યા ફરી એકવાર અનફિટ થઈ ગયો છે. અગાઉ અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં પણ પીઠના દુખાવાને કારણે તેને ટીમમાં સ્થાન મળ્યું નહોતું.
નીતીશ રેડ્ડીને મળી શકે છે મોટી તક
હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર થતાં હવે ઈંગ્લેન્ડની કન્ડિશનને જોતા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે નીતીશ રેડ્ડીને ટીમમાં તક મળી શકે છે. નીતીશ રેડ્ડી અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં 2 મેચ રમ્યા હતા. જો કે તેમાં તેઓ બોલિંગમાં ખાસ કમાલ કરી શક્યા નહોતા. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન અને પસંદગીકારો ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ માટે પંડ્યાની જગ્યાએ કયા ખેલાડી પર ભરોસો મૂકે છે.
