Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાતનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું: સલાયાના ‘મહેબૂબ-એ-બુખારી’ને નડી દુર્ઘટના, ૨ ખલાસીઓના મોત અને ૧૨નો બચાવ

ગુજરાતનું વહાણ ઓમાનના દરિયામાં ડૂબ્યું: સલાયાના 'મહેબૂબ-એ-બુખારી'ને નડી દુર્ઘટના, ૨ ખલાસીઓના મોત અને ૧૨નો બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પોર્ટનું એક માલવાહક જહાજ ઓમાનના દરિયામાં ડૂબી ગયું છે. ખરાબ હવામાન અને દરિયાના પ્રચંડ મોજાના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ જહાજનું નામ ‘મહેબૂબ-એ-બુખારી’ (રજીસ્ટ્રેશન નંબર BDI 1415) છે. જહાજ પર કુલ ૧૪ ભારતીય ખલાસીઓ સવાર હતા. જેમાંથી ૧૨ ખલાસીઓને ઓમાનના સર્ચ એન્ડ રેસ્ક્યૂ દળે સહીસલામત બચાવી લીધા છે, જ્યારે ૨ ખલાસીઓના કરુણ મોત નીપજ્યા છે.

મધદરિયે બંને એન્જિન ફેલ થતાં સર્જાઈ આફત

મળતી માહિતી મુજબ, આ જહાજ ૩ જુલાઈના રોજ દુબઈથી જનરલ કાર્ગો (સામાન) ભરીને જીબુટી જવા રવાના થયું હતું.

  • જ્યારે જહાજ ઓમાન નજીકના દરિયામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક હવામાન બગડ્યું હતું.

  • દરિયામાં ભારે કરંટના કારણે જહાજના બંને મુખ્ય એન્જિનો એકાએક બંધ પડી ગયા હતા.

  • એન્જિન બંધ થતાં જ જહાજમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું અને તે ડૂબવા લાગ્યું હતું.

  • જહાજના ટંડેલે તાત્કાલિક તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.

સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું

ઘટનાની જાણ થતાં જ ઓમાનનું સત્તાવાર ‘સર્ચ એન્ડ રેસ્ક્યુ દળ’, ઓમાની નેવી અને નજીકથી પસાર થઈ રહેલા અન્ય બે ભારતીય જહાજો ‘અલ હાજી હસન’ તેમજ ‘સફિના અલ નૂરે ઇલાહી’ બચાવ કામગીરીમાં જોડાયા હતા.

આ સંયુક્ત ઓપરેશન દ્વારા ૧૨ ખલાસીઓને દરિયામાંથી બહાર કાઢી લેવાયા હતા. જોકે, કમનસીબે ૨ ખલાસીઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તમામ જીવિત ખલાસીઓ અને મૃતદેહોને ઓમાનના દુકમ નજીક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા છે.

મૃતક ખલાસીઓના નામ

આ કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બંને ખલાસીઓ સલાયા પંથકના જ રહેવાસી હતા:

  1. ગંઢાર યાસીન નૂરમામદ

  2. ઇમરાન ઇશાક ભાયા

સલાયા પંથકમાં શોકનું મોજું

વહાણ ડૂબવાના અને બે સ્થાનિક ખલાસીઓના મોતના સમાચાર મળતા જ સલાયા પોર્ટ અને શિપિંગ એસોસિએશનમાં ભારે શોક વ્યાપી ગયો છે. મૃતકોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.

ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયા દ્વારા વિદેશ મંત્રાલય અને સંબંધિત તંત્રને ઈમેલ કરીને જાણ કરવામાં આવી છે. તેમણે મૃતદેહોને વહેલી તકે ભારત પરત લાવવા અને જરૂરી કાગળો પૂરા કરવા માટે સત્તાવાળાઓને વિનંતી કરી છે.

< /p>

સંબંધિત પોસ્ટ્સ

2 પત્ની અને 18 બાળકોના પિતાના ‘ઈશ્ક’નો કરુણ અંત! પ્રેમિકાએ હત્યા કરી લાશ કોથળામાં ભરી નહેરમાં ફેંકી

praxpatel

સવા ત્રણ કરોડ કઢાવવા સાહેબને 20 ટકામાં નક્કી કર્યુ છે ! કોણ છે એ પોલીસના સાહેબ !

Maheriya Nirali

અમદાવાદ કલેક્ટર કચેરીમાં હંગામો: અપક્ષ ઉમેદવારના ટેકેદારોની નકલી સહીનો ઘટસ્ફોટ, પોલીસ બોલાવવી પડી

praxpatel