ગુજરાત ભાજપ માં છેલ્લા કેટલાક સમયથી આંતરિક જૂથવાદ અને અસંતોષની ચિનગારી હવે વિસ્ફોટક રૂપ ધારણ કરી રહી છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં ઉત્તર ગુજરાતના મહેસાણાથી શરૂ થયેલો આંતરિક વિખવાદ હવે સાબરકાંઠા જિલ્લામાં ચરમસીમાએ પહોંચ્યો છે. સોશિયલ મીડિયાના કારણે ઉભા થયેલા નવા રાજકીય સમીકરણો અને ‘પેરાશૂટ નેતાઓ’ના કારણે પાયાના અને સિનિયર કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
મહેસાણાથી શરૂ થઈ ઓડિયો વોર
ભાજપ ના ગઢ ગણાતા ઉત્તર ગુજરાતના મહેસાણાથી પ્રથમ હરોળના નેતાઓના ઓડિયો રેકોર્ડિંગ વાયરલ થયા હતા. આ ઓડિયોમાં નેતાઓ એકબીજાને રાજકીય રીતે કાપી નાખવાની વાતો કરતા સંભળાયા હતા. આ ઘટના બાદ ભાજપના આંતરિક કારનામા એક પછી એક બહાર આવવા લાગ્યા છે. જેની સીધી અસર હવે પાડોશી જિલ્લા સાબરકાંઠામાં જોવા મળી રહી છે.
સાબરકાંઠામાં રાજીનામાની ઝડી અને સમિતિ વિવાદ
મહેસાણાની આંચ સાબરકાંઠા સુધી પહોંચતા જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જિલ્લામાં અસંતોષની સ્થિતિ નીચે મુજબ વણસી છે:
-
પ્રાંતિજ નગરપાલિકા: પ્રાંતિજ નગરપાલિકાના 15 જેટલા કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા ધરી દેતા ભાજપ સંગઠન હચમચી ગયું છે.
-
હિંમતનગર નગરપાલિકા: હિંમતનગરમાં વિવિધ સમિતિઓની વહેંચણી બાબતે ભારે કલેહ સામે આવ્યો છે. ત્રણ ટર્મથી ચૂંટણી જીતતા એક સિનિયર કોર્પોરેટરે ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે કે, નેતાઓ પોતાના માનીતા લોકોને ગોઠવવામાં પડ્યા છે અને સિનિયરોને અન્યાય થઈ રહ્યો છે.
ઇડર ભાજપમાં સોશિયલ મીડિયા પર આક્રોશ
હાલમાં રાજ્યના સૌથી ગરમ શહેર ગણાતા હેરિટેજ સિટી ઇડરમાં પણ ભાજપ કાર્યકરોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. ઇડર તાલુકા ભાજપ સંગઠનથી લઈને તાલુકા પંચાયતના હોદ્દાઓની વહેંચણીમાં પક્ષપાત થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપોમાં ખુલ્લેઆમ આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ કર્યા હતા. મામલો એટલો ઉગ્ર બન્યો કે વિવાદ દબાવવા માટે કેટલાક વોટ્સએપ ગ્રુપના સેટિંગ બદલીને ‘ઓન્લી એડમિન’ કરવા પડ્યા હતા. જ્યારે કેટલાક જૂના નેતાઓએ મુખ્ય મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
‘સારો એ મારો નહીં, મારો એ સારો’ ની નીતિ સામે રોષ
નવા સંગઠનની રચના થઈ ત્યારથી જ સિનિયર કાર્યકરોને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા હોવાનો છૂપો રોષ હતો. તાલુકા પંચાયતના હોદ્દેદારોની નિમણૂક બાદ આ રોષ હવે સપાટી પર આવી ગયો છે.
કાર્યકરોનો આક્ષેપ: ઇડર તાલુકા ભાજપ સંગઠન અત્યારે “સારો એ મારો નહીં, પણ મારો એ જ સારો” ની નીતિ પર ચાલી રહ્યું છે. પોતાના મળતિયાઓને ગોઠવવાની લાયમાં પક્ષના મૂળ અને વફાદાર કાર્યકરોને ભુલાવી દેવાયા છે.
સિનિયરિટીને નજરઅંદાજ કરવાને કારણે કાર્યકરોમાં હાલ ‘ભારેલા અગ્નિ’ જેવી સ્થિતિ છે. આ આંતરિક ચિનગારી આગામી દિવસોમાં કયા હોદ્દેદારોને દઝાડશે અને આ પેરાશૂટ રાજકારણ જિલ્લા ભાજપને કેટલું નુકસાન પહોંચાડશે, તે જોવાનું રહ્યું.
<
