બોલિવુડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ એટલે કે આમિર ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તે 5 જુલાઈ, 2026ના રોજ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરશે.
આમિર ખાને થોડા દિવસો પહેલા જ પોતાના લગ્નની જાહેરાત કરી હતી. લગ્નને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે તેમના મુંબઈ સ્થિત ઘર પર તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં પડી રહેલા મુશળધાર વરસાદ વચ્ચે પણ આમિરના પાલી હિલવાળા ઘરને સજાવવામાં આવી રહ્યું છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
લગ્નમાં કેટલા મહેમાનો આપશે હાજરી?
આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવ્યા છે. આ લગ્ન ‘સ્પેશિયલ મેરેજ એક્ટ’ હેઠળ રજિસ્ટર્ડ વેડિંગ તરીકે થશે.
રિપોર્ટ અનુસાર, આ લગ્ન સમારોહમાં માત્ર 100થી 150 જેટલા ખાસ મહેમાનો જ સામેલ થશે. જેમાં પરિવારના સભ્યો અને ઇન્ડસ્ટ્રીના ગણતરીના નજીકના મિત્રોનો સમાવેશ થાય છે. આ ખાસ ઇવેન્ટ માટે આમિરે બોલિવુડના ખૂબ ઓછા સ્ટાર્સને આમંત્રણ આપ્યું છે.
મેન્યુથી લઈને ગેસ્ટ લિસ્ટ સુધી બધું પોતે પસંદ કર્યું
આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ પોતે જ લગ્નની તમામ તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. મહેમાનોના લિસ્ટથી લઈને ખાવાના મેન્યુ સુધીની તમામ વસ્તુઓ આ કપલે પોતે પસંદ કરી છે.
લગ્નનું રજિસ્ટ્રેશન પૂરું થયા બાદ આમિર ખાનના ઘરે જ એક ખાસ લંચનું આયોજન કરવામાં આવ્યું છે. મેન્યુમાં આમિર અને ગૌરીની પસંદગીની ખાસ વાનગીઓ પીરસવામાં આવશે. બોલિવુડ સેલિબ્રિટીઝની વાત કરીએ તો આમિરના ખાસ મિત્ર અને ‘લગાન’ ફિલ્મના ડાયરેક્ટર આશુતોષ ગોવારીકર તેમજ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી આ લગ્નમાં હાજરી આપશે.
60મા જન્મદિવસે કર્યો હતો પ્રેમનો એકરાર
આમિર ખાને શુક્રવારે જ પોતાના લગ્નની વાત પર મહોર મારી હતી. તેમણે કહ્યું હતું, “હું લગ્ન કરી રહ્યો છું અને આ લગ્ન અમારા ઘરે જ થશે. 5 જુલાઈ અમારા માટે ખૂબ જ ખાસ દિવસ છે.”
તમને જણાવી દઈએ કે આમિર ખાને પોતાના 60મા જન્મદિવસે ગૌરી સ્પ્રેટ સાથેના રિલેશનશિપની સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે, ઉંમરના તફાવતને કારણે તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો.
આમિર ખાનના આ ત્રીજા લગ્ન છે
આ આમિર ખાનના ત્રીજા લગ્ન છે.
-
રીના દત્તા (1986 – 2002): આમિરના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. તેમના બે બાળકો જુનૈદ ખાન અને ઇરા ખાન છે. વર્ષ 2002માં બંનેના છૂટાછેડા થયા હતા.
-
કિરણ રાવ (2005 – 2021): રીનાથી અલગ થયા બાદ આમિરે વર્ષ 2005માં ફિલ્મમેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. સરોગેસી દ્વારા તેમને એક દીકરો આઝાદ રાવ ખાન છે. જુલાઈ 2021માં આ કપલે અલગ થવાની જાહેરાત કરી હતી.
હવે કિરણ રાવથી અલગ થયાના 5 વર્ષ બાદ આમિર ખાન 2026માં ગૌરી સ્પ્રેટ સાથે નવેસરથી પોતાની જિંદગી શરૂ કરવા જઈ રહ્યા છે.
