IPL માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે ઘણી યાદગાર ઇનિંગ્સ રમનાર અનુજ રાવત આ દિવસોમાં દિલ્હી પ્રીમિયર લીગ (DPL) માં પોતાના બેટથી ધૂમ મચાવી રહ્યો છે. આઇપીએલ 2022 માં મુંબઈ સામે વિરાટ કોહલી સાથે 80 રનની ભાગીદારી કરીને લાઇમલાઇટમાં આવેલા અનુજને આઇપીએલ 2025 ની ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે (GT) 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ તે બેન્ચ પર જ બેસી રહ્યો છે. જોકે, હવે તેણે DPL માં પોતાની તાકાત બતાવી છે.
38 બોલમાં ફટકાર્યા 92 રન, 8 છગ્ગા અને 8 ચોગ્ગા
દિલ્હી પ્રીમિયર લીગમાં 10 ઓગસ્ટે અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ‘પુરાની દિલ્હી 6’ ના કેપ્ટન અનુજ રાવતે ‘આઉટર દિલ્હી વોરિયર્સ’ સામે માત્ર 38 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ ધડાકેદાર ઇનિંગ દરમિયાન તેના બેટમાંથી 8 ગગનચુંબી છગ્ગા અને 8 શાનદાર ચોગ્ગા નીકળ્યા હતા.
માત્ર 17 બોલમાં ઠોકી દીધી અર્ધસદી
166 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પુરાની દિલ્હી 6 ની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ત્રીજી જ ઓવરમાં ટીમે માત્ર 9 રનના સ્કોર પર 2 મહત્ત્વની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલા કેપ્ટન અનુજ રાવતે ઇનિંગ સંભાળી હતી.
તેણે આર્યન ગૌર સાથે મળીને મેદાનની ચારેય તરફ શોટ્સ ફટકાર્યા અને માત્ર 17 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી લીધી હતી, જે આ સીઝનની સૌથી ઝડપી ફિફ્ટી પણ છે.
પુરાની દિલ્હી 6 ની 7 વિકેટે શાનદાર જીત
અનુજ અને આર્યન વચ્ચે ત્રીજી વિકેટ માટે 151 રનની અણનમ અને મેચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. જોકે, અનુજ પોતાના બીજા સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો હતો અને 15મી ઓવરમાં 92 રન બનાવીને આઉટ થયો હતો. તેની આ આક્રમક ઇનિંગના દમ પર પુરાની દિલ્હી 6 એ 7 વિકેટે આસાન જીત હાંસલ કરી હતી.
