Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

પાકિસ્તાન સરહદે દટાયેલા 100 હાડપિંજર મળ્યાં, કચ્છમાં ધોળાવીરા બાદ સદીઓ જૂની વધુ એક વસાહત મળી

પાકિસ્તાન સરહદે દટાયેલા 100 હાડપિંજર મળ્યાં, કચ્છમાં ધોળાવીરા બાદ સદીઓ જૂની વધુ એક વસાહત મળી

કચ્છ-પાકિસ્તાન સરહદે જમીન નીચે દટાયેલી અને સમય જતાં માટીનું ધોવાણ થતાં સપાટી પર આવેલી સદીઓ જૂની વધુ એક ઐતિહાસિક વસાહત મળી આવી છે. કચ્છના વિશ્વપ્રસિદ્ધ ‘ધોળાવીરા’ પછી ‘ગ્રેટ રણ ઓફ કચ્છ’માં આ બીજી મોટી પુરાતત્વિય શોધ માનવામાં આવી રહી છે. ગત 2023-24માં સરહદ પર પેટ્રોલિંગ દરમિયાન BSF (સીમા સુરક્ષા બળ)ના જવાનોનું ધ્યાન આ હાડપિંજર સ્થળ તરફ ગયું હતું. આ અંગે જાણ કરાતાં હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો અહીં ઊંડું સંશોધન કરી રહ્યા છે.

ઓક્સફર્ડ અને કચ્છ યુનિવર્સિટી સહિત દેશ-વિદેશની સંસ્થાઓનું સંશોધન

વર્ષ 2024થી BSFની મદદ વડે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ઈંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટી, PRL, BSIP અને પૂનાની પ્રખ્યાત ડેક્કન કોલેજના વિજ્ઞાનીઓ આ સાઈટ પર અભ્યાસ કરી રહ્યા છે. કચ્છ યુનિવર્સિટીના ડૉ. ગૌરવ ચૌહાણ અને આંતરરાષ્ટ્રીય ટીમની તપાસમાં સામે આવ્યું છે કે, આ વસાહત મધ્યયુગની (અંદાજે 600થી 1000 વર્ષ જૂની) હડપ્પન સંસ્કૃતિ સાથે સામ્યતા ધરાવે છે.

નિષ્ણાતોના મતે, સદીઓ પહેલાં સિંધુ નદીનું વહેણ બદલાવાથી, પૂર કે દરિયાઈ તોફાન અથવા તો 1819ના વિનાશક ભૂકંપ જેવા કોઈ મોટા કુદરતી પ્રકોપના કારણે આ આખું નગર જમીનમાં દટાઈ ગયું હોવાની શક્યતા છે.

એક જ સ્થળેથી 100થી વધુ હાડપિંજર મળ્યા: કબરસ્તાન હોવાનું અનુમાન

આ સાઈટના સૌથી ચોંકાવનારા તથ્ય મુજબ, એક ચોક્કસ જગ્યા પરથી એક જ સ્થિતિમાં દટાયેલા 100થી વધુ માનવ હાડપિંજર મળી આવ્યા છે:

  • તમામ હાડપિંજરના માથા ઉત્તર દિશામાં અને પગ દક્ષિણ દિશામાં છે.

  • એક બાળક સહિત તમામના દેહ પશ્ચિમ દિશા તરફ વળેલા (પડખું ફરેલી) હાલતમાં મળ્યા છે.

  • પુરાતત્વવિદો અનુમાન લગાવી રહ્યા છે કે આ કોઈ પ્રાચીન કબરસ્તાન (દફનભૂમિ) હોઈ શકે છે.

તેલના દીવા, તાંબાના સિક્કા અને રમકડાં જેવા અવશેષો પ્રાપ્ત થયા

હાડપિંજર મળ્યા તે સ્થળથી થોડે જ દૂર પ્રાચીન રહેણાંક વિસ્તારોના અવશેષો મળી આવ્યા છે. ઉત્ખનન દરમિયાન અલગ-અલગ જગ્યાએથી:

  • માટીના વાસણો, બરણીઓ અને તેલના દીવા

  • તાંબાના પ્રાચીન સિક્કા

  • માટીના રમકડાં અને હલર (અનાજ દળવાના સાધનો)

સંશોધન મુજબ, આ મધ્યયુગીન વસાહત નદીના કિનારાથી થોડી ઊંચાઈ પર વસેલી હતી અને ત્યાં ચોખાની ખેતી મુખ્યત્વે થતી હશે. હાલમાં ભારત સરકારના પુરાતત્વિય સર્વેક્ષણ વિભાગ (ASI) સાથે મળીને આ નગરના વિનાશના ચોક્કસ કારણો જાણવા માટે વધુ ઊંડો અભ્યાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.


સંબંધિત પોસ્ટ્સ

ચર્ચમાં જ સામસામે આવી ગયા પાદરીઓના બે જૂથ: ઓર્થોડોક્સ અને જેકોબાઈટ જૂથો વચ્ચે હિંસક ઝઘડો, મચી અફડાતફડી

praxpatel

વિસાવદરમાં જનતાએ આમ આદમી પાર્ટીને મોટી જવાબદારી આપી ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાયું: ગોપાલ ઇટાલીયા

ANIL PATEL

શિક્ષકો ક્લાસમાં બાળકોને અપમાનિત ન કરી શકે, વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટની ટકોર

praxpatel