NEET UG 2026 પેપર લીક મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. CBI ના દાવ મુજબ, પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં જ પ્રશ્નપત્ર લીક થઈ ગયું હતું. આ સમગ્ર નેટવર્કમાં NTA ના વિષય નિષ્ણાતો, કોચિંગ સેન્ટરના સંચાલકો અને વચેટિયાઓ સામેલ હતા, જેમણે લાખો રૂપિયાના ખેલમાં WhatsApp, Telegram અને ઓફલાઈન સ્પેશિયલ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓ સુધી લીક થયેલા પ્રશ્નો પહોંચાડ્યા હતા.
ઓક્ટોબર ૨૦૨૫થી ઘડાતું હતું કાવતરું
CBI ની ચાર્જશીટ અનુસાર, આ ષડયંત્ર ઓક્ટોબર ૨૦૨૫થી જ શરૂ થઈ ગયું હતું. આરોપીઓએ અગાઉથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કરીને હપ્તામાં લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા.
-
કેમિસ્ટ્રીનું પેપર: NTA ના એક્સપર્ટ પી. વી. કુલકર્ણીએ ગોપનીયતાના શપથ લીધા હોવા છતાં ૨૫ થી ૨૭ એપ્રિલ દરમિયાન પુણેમાં ‘સ્પેશિયલ ક્લાસ’ ચલાવીને વિદ્યાર્થીઓને NEET માં આવનારા પ્રશ્નો લખાવ્યા હતા.
-
ફિઝિક્સનું પેપર: એક્સપર્ટ મનીષા હવાલદારે માત્ર ₹૨૫,૦૦૦ લઈને ફિઝિક્સના પ્રશ્નો લીક કર્યા હતા, જેને બાદમાં અન્ય આરોપીઓ દ્વારા વાલીઓ પાસેથી ₹૪ લાખ સુધીની રકમ વસૂલીને વહેંચવામાં આવ્યા હતા.
-
બાયોલોજીનું પેપર: મનીષા મંડારેએ પોતાના ઘરે ક્લાસ ચલાવી નવી NCERT ચોપડીઓમાં ખાસ પેરાગ્રાફ માર્ક કરાવ્યા હતા.
રાજસ્થાનમાં PDF દ્વારા ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓને પેપર પહોંચાડાયું
રાજસ્થાનના સીકરમાં ચાલતા એક કોચિંગ નેટવર્ક દ્વારા ૨ મેની રાત્રે (પરીક્ષાના આગલા દિવસે) ૪૦ થી ૫૦ વિદ્યાર્થીઓને “સૌથી સંભવિત પ્રશ્નપત્ર” કહીને PDF ફાઈલ મોકલવામાં આવી હતી. તપાસમાં “NEET 2026” અને “FIFA World Cup 2026” નામના ગુપ્ત WhatsApp ગ્રુપ પણ મળી આવ્યા છે. આ સિવાય સિક્રસી માટે “કૈલાશ” અને “શિવાલિક” જેવા કોડ વર્ડ્સનો ઉપયોગ થતો હતો.
NTA ની સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા ગંભીર સવાલો
CBI એ ચાર્જશીટમાં NTA ની સુરક્ષા ખામીઓ પર પણ સવાલો ઉઠાવ્યા છે. પ્રશ્નપત્ર તૈયાર કરવા અને અનુવાદ દરમિયાન એક જ એક્સપર્ટને ચારેય માસ્ટર સેટ જોવાની છૂટ મળતી હતી અને તેમની યોગ્ય તપાસ કે ચેકિંગ પણ થતું નહોતું. દિલ્હી યુનિવર્સિટીના નિષ્ણાતોના રિપોર્ટ મુજબ, લીક થયેલા પ્રશ્નો અને અધિકૃત પ્રશ્નપત્ર વચ્ચે બાયોલોજીમાં ૯૦% અને કેમિસ્ટ્રીમાં ૧૦૦% સુધીનું સામ્ય મળી આવ્યું છે.
કેવી રીતે થયો ખુલાસો?
૩ મે ૨૦૨૬ના રોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીકરના એક કેમિસ્ટ્રી ટીચરે લીક થયેલી PDF અને મૂળ પ્રશ્નપત્રનું મિલાન કરીને NTA ડાયરેક્ટર જનરલને ઈમેઈલ કર્યો હતો, જે બાદ આ તપાસ શરૂ થઈ હતી. હાલ દિલ્હીની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ ચાર્જશીટ પર સુનાવણી ચાલી રહી છે.
