અમદાવાદ RTO ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવી છે. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર માટે આજથી (13 જુલાઈ 2026) આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત નવો ટેસ્ટ ટ્રેક શરૂ કરાયો છે. હવે આ ટેસ્ટમાં જો તમે નાની ભૂલ કરશો, તો કોમ્પ્યુટર જ તમને સીધા નાપાસ જાહેર કરશે.
જો તમે પણ લાયસન્સ માટે ટેસ્ટ આપવાના છો, તો આ નવા નિયમો અને પ્રક્રિયા ખાસ જાણી લો.
ટેસ્ટ આપતા પહેલા આ પ્રક્રિયા ફરજિયાત છે
-
RFID ટેગ અને રજિસ્ટ્રેશન: સૌથી પહેલા અરજદારે રજિસ્ટ્રેશન કરાવીને RFID ટેગ મેળવવાનો રહેશે.
-
માર્ગદર્શક વીડિયો: ટેસ્ટ આપતા પહેલા ટેસ્ટની માહિતી આપતો વીડિયો જોવો ફરજિયાત છે.
-
સિસ્ટમ ટ્રેકિંગ: જો કોઈ વીડિયો જોયા વગર સીધો ટ્રેક પર જશે, તો સિસ્ટમ તેને આગળ વધવા દેશે નહીં.
-
ફેસ કેપ્ચર અને સિગ્નલ: ટ્રેક પર જતા પહેલા તમારો ફોટો કેપ્ચર થશે. ટ્રાફિક સિગ્નલ ગ્રીન થયા પછી જ ટેસ્ટ શરૂ કરવાનો રહેશે.
ટુ-વ્હીલર ટેસ્ટ માટેના કડક નિયમો
ટુ-વ્હીલર લાયસન્સ મેળવવા માટે અરજદારે 60 સેકન્ડમાં સરપેન્ટાઈન (સાપ આકારનો) ટ્રેક પૂરો કરવાનો રહેશે. ટેસ્ટ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો:
-
વાહન ફક્ત બતાવેલી દિશામાં જ ચલાવવાનું રહેશે.
-
ટ્રેકની બંને બાજુ આપેલી પીળી લાઇનને ટચ થવી જોઈએ નહીં.
-
સૌથી મહત્વનો નિયમ: ટેસ્ટ દરમિયાન પગ નીચે મૂકવાનો નથી. જો પગ નીચે મુકાશે તો તમે ફેલ ગણાશો.
ફોર-વ્હીલર ટેસ્ટ માટેના 3 મુશ્કેલ તબક્કા
ફોર-વ્હીલર માટે ટેસ્ટ ટ્રેક પર ત્રણ મહત્વના અને અઘરા તબક્કા રાખવામાં આવ્યા છે:
1. રિવર્સ S (સમય: 150 સેકન્ડ)
ગાડી આગળ લઈ ગયા પછી રિવર્સમાં ‘S’ આકાર બનાવીને છેક છેડે આવવાનું રહેશે. આમાં વધુમાં વધુ બે વાર પીળી લાઇનને અડવાની છૂટ છે, ત્રીજી વારમાં અરજદાર ફેલ થશે. આ ટેસ્ટમાં ગાડી આગળ ચલાવી શકાશે નહીં.
2. ઇંગ્લિશ 8 (સમય: 120 સેકન્ડ)
ગાડીને અંગ્રેજી ‘8’ આકારમાં ચલાવવાની રહેશે. આમાં બે વારથી વધુ કર્બ હિટ થશે તો ફેલ ગણાશે. આ ઉપરાંત, ગાડીને 3 સેકન્ડથી વધુ સમય ઊભી રાખી શકાશે નહીં અને રિવર્સ પણ લઈ શકાશે નહીં.
3. પેરેલલ પાર્કિંગ (સમય: 130 સેકન્ડ)
અરજદારે આપેલા બોક્સમાં ગાડીને રિવર્સમાં પેરેલલ પાર્ક કરવાની રહેશે. આ તબક્કામાં એક પણ વાર પીળી લાઇનને અડવાની છૂટ નથી. ગાડી યોગ્ય રીતે પાર્ક થતા જ ડિસ્પ્લે પર ‘Vehicle Parked Move Ahead’ લખાઈને આવશે.
ખાસ નોંધ: પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢતી વખતે પણ પીળી લાઇન ટચ થવી જોઈએ નહીં. જો કોઈ ખાસ કિસ્સામાં વિવાદ થાય, તો વીડિયો પુરાવા તરીકે જોઈને રી-ટેસ્ટ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
