વિયેતનામના પ્રખ્યાત પ્રવાસી સ્થળ ફુ ક્વોક ટાપુ (Phu Quoc Island) નજીકથી એક અત્યંત ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં કેટલાક ભારતીય પ્રવાસીઓને (Indian tourists) લઈને જઈ રહેલી એક ટૂરિસ્ટ બોટ દરિયામાં અચાનક પલટી ગઈ છે. આ ઘટનાને પગલે વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસ (Indian Embassy) તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને મોટા પાયે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન (Search and rescue operations) શરૂ કરવામાં આવ્યું છે.
ખરાબ હવામાનને કારણે સર્જાયો અકસ્માત, મુસાફરો ફસાયા પ્રાપ્ત વિગતો અનુસાર, જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે દરિયામાં કરંટ ઘણો વધારે હતો અને મોજા ઉછળી રહ્યા હતા. આસપાસ હાજર અન્ય પ્રવાસી બોટો અકસ્માત જોતા જ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા એક બોટ ઓપરેટરે વિયેતનામી મીડિયાને જણાવ્યું કે, તેમની બોટ માત્ર પાંચ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ બોટ ઊંધી વળી જવાથી ઘણા મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા, જેના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. બચાવી લેવાયેલા લોકોમાંથી માત્ર થોડાક જ લોકો ભાનમાં હતા.
ભારતીય દૂતાવાસે જાહેર કર્યા હેલ્પલાઇન નંબરો ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, તેઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. અસરગ્રસ્ત પરિવારોની મદદ અને સચોટ માહિતી પૂરી પાડવા માટે વિયેતનામના બે મુખ્ય શહેરો હનોઈ (Hanoi) અને હો ચિ મિન્હ સિટીમાં (Ho Chi Minh City) ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ (Control Room) સ્થાપિત કરવામાં આવ્યા છે.
પરિવારો નીચે આપેલા ઈમરજન્સી નંબરો પર સંપર્ક કરી શકે છે:
-
હો ચિ મિન્હ સિટી (Consulate General): +84 36 281 7930, +84 91 552 37 14, અને +84 33 452 0414
-
હનોઈ (Embassy): +84 91 308 9165
સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા બોટમાં કુલ કેટલા લોકો સવાર હતા અને આ અકસ્માતમાં કેટલા લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે તેની સત્તાવાર વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દૂતાવાસે અસરગ્રસ્તોના પરિવારોને તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.
