તમિલનાડુના રાજકારણમાંથી આજે એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. સુપરસ્ટાર વિજયની આગેવાની હેઠળની વર્તમાન સરકારને અસ્થિર કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. આ મામલામાં તમિલનાડુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે.
આ સમગ્ર વિવાદ ‘તમિલગા વેટ્રી કઝગમ’ (TVK) ના ધારાસભ્ય એન. ઇલૈયારાજાના ગંભીર આરોપો બાદ શરૂ થયો હતો. તેમણે દાવો કર્યો હતો કે તેમને વિધાનસભાના સ્પીકર વિરૂદ્ધ લાવવામાં આવનારા અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં વોટ આપવા માટે ₹35 કરોડની ઓફર કરવામાં આવી હતી. તમિલનાડુના મંત્રી પી. નિર્મલ કુમારે દાવો કર્યો છે કે વિપક્ષી પાર્ટી DMK છેલ્લા 40 દિવસથી સત્તાધારી પક્ષના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી હતી.
ધારાસભ્યે લગાવ્યા ચોંકાવનારા આરોપો
ઉથંગરાઈ બેઠકના TVK ધારાસભ્ય એન. ઇલૈયારાજાએ ચેન્નાઈ પોલીસમાં આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે:
-
IPDS કન્સલ્ટન્સી ફર્મના એક વ્યક્તિએ તેમનો સંપર્ક કર્યો હતો.
-
તેને તમિલનાડુ વિધાનસભાના સ્પીકર અને TVK નેતા જેસીડી પ્રભાકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં વોટ આપવા કહ્યું હતું.
-
આ કામના બદલામાં ધારાસભ્યને ₹35 કરોડ આપવાની લાલચ આપવામાં આવી હતી.
-
જ્યારે ધારાસભ્યએ આ ઓફર ઠુકરાવી દીધી, ત્યારે તેમને અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
ઇન્ટેલિજન્સ રિપોર્ટ: 15 ધારાસભ્યોને ખરીદવાનું હતું પ્લાનિંગ
તમિલનાડુ પોલીસના ગુપ્તચર વિભાગ (Intelligence Department) ને પણ એવી માહિતી મળી હતી કે સત્તાધારી પક્ષ TVK ના ઓછામાં ઓછા 15 ધારાસભ્યોને ખરીદીને સરકાર તોડી પાડવાનું મોટું કાવતરું રચવામાં આવી રહ્યું હતું.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ‘ઇન્ડિયન પોલિટિકલ ડેમોક્રેટિક સ્ટેટેજીસ’ (IPDS) નામની સંસ્થાના વડા થિરુનાવુક્કારાસુએ જ ધારાસભ્ય ઇલૈયારાજાનો સંપર્ક કર્યો હતો. તે એક મોટી રાજકીય પાર્ટી વતી ડીલ કરી રહ્યો હતો.
DMK ના પૂર્વ મંત્રી સેન્થિલ બાલાજી તરફ તપાસની આંચ
ચેન્નાઈ પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર, આ કાવતરાના તાર DMK ના પૂર્વ મંત્રી અને કોયમ્બતૂર સાઉથના ધારાસભ્ય વી. સેન્થિલ બાલાજી તેમજ તેમના ભાઈ વી. અશોક કુમાર સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસના આક્ષેપ મુજબ, સેન્થિલ બાલાજી અને અશોક કુમારના કહેવાથી જ થિરુનાવુક્કારાસુએ ટીવીકેના ધારાસભ્યને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં 3 લોકોની ધરપકડ બાદ હવે પૂર્વ મંત્રી અને તેમના ભાઈ પર પણ ધરપકડની તલવાર લટકી રહી છે. પોલીસે આ મામલે કડક કાયદાકીય તપાસ શરૂ કરી દીધી છે.
