એક તરફ રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. બીજી તરફ, પોતાની જમીન અને હક્ક માટે મોરબી અને જેતપુરના ખેડૂતો છેલ્લા 12 દિવસથી અન્નનો ત્યાગ કરીને આંદોલન ચલાવી રહ્યા છે. હવે આ લડાઈમાં ‘ગુજરાત ભારતીય કિસાન સંઘ’ પણ સત્તાવાર રીતે મેદાને પડ્યું છે. કિસાન સંઘે ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે વીજપોલ અંગે યોગ્ય નીતિ નહીં ઘડે, તો આખા રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ખેડૂતોની મુખ્ય નારાજગી શું છે?
-
જમીનને નુકસાન: ખેતરોમાંથી પસાર થતી હેવી વીજ લાઇન અને ઊભા કરાતા વીજપોલ (વીજળીના થાંભલા) ના કારણે ખેડૂતોની કિંમતી જમીન બગડી રહી છે.
-
આર્થિક ફટકો: જમીન બગડવાના કારણે પાક ઉત્પાદનને મોટું નુકસાન થઈ રહ્યું છે.
-
અધૂરું વળતર: વિકાસના નામે ખેડૂતોની જમીન વાપરી લેવાય છે, પરંતુ જ્યારે વળતર ચૂકવવાની વાત આવે ત્યારે સરકાર ઉદાસીન વલણ અપનાવે છે.
કિસાન સંઘના સરકાર પર આકરા પ્રહારો
બારડોલી સત્યાગ્રહની યાદ: કિસાન સંઘે જણાવ્યું કે જે ગુજરાતની ધરતી પર સરદાર પટેલે ખેડૂતો માટે સત્યાગ્રહ કર્યો હતો, આજે ત્યાં જ ખેડૂતોને 12-12 દિવસ સુધી ભૂખ્યા બેસવું પડે તે શરમજનક છે. મંત્રીઓ સરકારી કાર્યક્રમો અને વીઆઇપી સંસ્કૃતિમાં વ્યસ્ત છે અને તેમની પાસે જગતના તાત માટે સમય નથી.
આંદોલનનો વ્યાપ વધ્યો, 60 ગામોનો ટેકો
મોરબી અને જેતપર વિસ્તારમાં ચાલી રહેલા આ આંદોલનને હવે મોટો જનસમર્થન મળી રહ્યો છે. આસપાસના 60થી વધુ ગામોના સરપંચોએ ઉપવાસ છાવણીની મુલાકાત લઈને ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કર્યો છે. સરકારે ચર્ચા માટે આમંત્રણ આપ્યું હોવા છતાં, યોગ્ય નીતિ ન બને ત્યાં સુધી ખેડૂતો નમતું જોખવા તૈયાર નથી.
જેતપર બાદ હવે ગોંડલમાં પણ જ્વાળા પ્રસરી
ખેડૂતોનો આ રોષ હવે ધીમે ધીમે અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યો છે. મોરબી બાદ હવે ગોંડલના માવિયા ગામમાં પણ ખેડૂતો અને મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. કાલાવડથી ઘેલા સોમનાથ સુધી નાખવામાં આવી રહેલી હેવી વીજ લાઇન સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે.
આંદોલન પર રાજનીતિના પણ આક્ષેપ
બીજી તરફ, આ આંદોલનની આડમાં રાજકારણ રમાતું હોવાનું ચિત્ર પણ ઉપસ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરી રહી છે. કેટલાક લોકોનું કહેવું છે કે સરકારના આમંત્રણ છતાં ચર્ચા કરવાના બદલે આંદોલનને જાણી જોઈને લંબાવવામાં આવી રહ્યું છે. જો કે, કિસાન સંઘે અલ્ટીમેટમ આપ્યું છે કે જો પ્રશ્ન નહીં ઉકેલાય તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે છે.
