અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કૌભાંડમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે જપ્ત કરાયેલું બ્લડ માનવ જીવન માટે અત્યંત જોખમી છે. આ નબળી ગુણવત્તાવાળા અને ભેળસેળયુક્ત બ્લડનો હવે સાયન્ટિફિક રીતે નાશ કરવામાં આવશે.
મહારાષ્ટ્રની 8 બ્લડ બેંકો પોલીસ રડારમાં
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડના તાર છેક મહારાષ્ટ્ર સુધી લંબાયેલા છે. આરોપીઓ આ જોખમી બ્લડ મહારાષ્ટ્રની આશરે 8 જેટલી બ્લડ બેંકોમાં સપ્લાય કરતા હતા. હાલમાં વાશિમ, અહમદનગર, ધૂલે, નાશિક, ભુસાવલ, છત્રપતિ સંભાજીનગર અને જાલનાની બ્લડ બેંકોમાં તપાસ શરૂ કરાઈ છે. રાહતની વાત એ છે કે ગુજરાતની કોઈ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં આ બ્લડ સપ્લાય થયું નથી.
કેવી રીતે આચરાતું હતું આ આખું કૌભાંડ?
અમદાવાદ ગ્રામ્ય SPના જણાવ્યા અનુસાર આ ગેંગ છેલ્લા છ મહિનાથી સક્રિય હતી:
-
ટ્રાન્સપોર્ટેશન વખતે ડ્રાઈવરની મદદથી અસલી પ્લાઝમાની બેગ ચોરી લેવાતી હતી.
-
અસલી પ્લાઝમાની જગ્યાએ સલાઈન વોટર (મીઠાવાળું પાણી) જેવું નકલી મટીરીયલ ભરી દેવાતું હતું.
-
ચોરેલો અસલી પ્લાઝમા બજારભાવ કરતા 50% ઓછી કિંમતે ફરીથી બ્લડ બેન્કોમાં વેચી દેવાતો હતો.
-
અસલી પ્લાઝમાને નિયમ મુજબ -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને બદલે સામાન્ય આઈસ બોક્સમાં રખાતો હોવાથી તે બગડી જતો હતો.
દર્દીઓ માટે કેમ અત્યંત જોખમી?
બ્લડ પ્લાઝમાનો ઉપયોગ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એન્ટી કેન્સર ડ્રગ્સ (કેન્સરની દવાઓ) બનાવવા માટે થાય છે. આ ઉપરાંત હિમોફિલિયા અને રોગપ્રતિકારક શક્તિની ખામી ધરાવતા દર્દીઓને આ પ્લાઝમા સીધો જ ચડાવવામાં આવે છે. આવા નકલી અને બગડેલા પ્લાઝમાથી દર્દીઓનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
ચાર આરોપીઓની ધરપકડ અને 15 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ચાંગોદર વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રેડ પાડીને આ કૌભાંડ ઝડપ્યું હતું. આ મામલે મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી (ધાનેરા), મોહન ગાયકવાડ (મહારાષ્ટ્ર), રફીક (ધોળકા) અને જીતેન્દ્ર સોલંકી (ધોળકા)ની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી 1150 બ્લડ પ્લાઝમા યુનિટ, ડીપ ફ્રીઝર, કેમિકલ બોટલ્સ અને વાહન સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
