ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન હવે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતા જોવા નહીં મળે. વિલિયમસને ૩૫ વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે. તેમના આ નિર્ણયથી આખું ક્રિકેટ જગત અને ફેન્સ ચોંકી ગયા છે.
વિલિયમસનની છેલ્લી મેચ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર રમાઈ હતી. તે ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની હાર થઈ હતી. તમને જણાવી દઈએ કે વિલિયમસન ટી૨૦ ક્રિકેટને પહેલા જ અલવિદા કહી ચૂક્યા હતા.
વિરાટ કોહલીની જેમ અધૂરો રહ્યો ૧૦ હજાર રનનો માઈલસ્ટોન
કેન વિલિયમસન ટેસ્ટ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કરવાની ખૂબ નજીક હતા. પરંતુ તેમણે અચાનક ન્યૂઝીલેન્ડની ટીમને બાય-બાય કહી દીધું. તેમનો આ નિર્ણય ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જેવો જ છે.
વિરાટ કોહલીએ પણ ગયા વર્ષે અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. કોહલીએ ટેસ્ટમાં ૯,૨૩૦ રન બનાવ્યા હતા. જ્યારે વિલિયમસને ટેસ્ટમાં ૯,૫૧૫ રન બનાવ્યા છે. બંને ખેલાડીઓ ૧૦ હજારના ક્લબમાં સામેલ થઈ શકતા હતા, પણ તે પહેલા જ તેમણે રિટાયરમેન્ટ લઈ લીધું.
કોહલી અને વિલિયમસન વચ્ચે ખાસ દોસ્તી
વિરાટ કોહલી અને કેન વિલિયમસન અંડર-૧૯ ના દિવસોથી એકબીજાના હરીફ રહ્યા છે. આમ છતાં, બંને ખેલાડીઓ એકબીજાનું ખૂબ સન્માન કરે છે.
૨૦૧૯ના વનડે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં ભારતની હાર થઈ ત્યારે વિલિયમસને કોહલીને સાંત્વના આપી હતી. તે જ રીતે, ગયા વર્ષે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની હાર બાદ કોહલીએ વિલિયમસનનો ઉત્સાહ વધાર્યો હતો.
સંન્યાસની જાહેરાત કરતા ભાવુક થયા ‘કેન મામા’
સંન્યાસની જાહેરાત કરતી વખતે કેન વિલિયમસન ખૂબ ભાવુક દેખાયા હતા. તેમણે કહ્યું, “હું લાંબા સમયથી આ નિર્ણય વિશે વિચારતો હતો. હવે મને લાગે છે કે આ જ સાચો સમય છે. મને ગર્વ છે કે મેં ન્યૂઝીલેન્ડ માટે દરેક મેચમાં મારું સર્વસ્વ આપ્યું છે.”
અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને વિલિયમસનને પ્રેમથી ‘કેન મામા’ નામ આપ્યું હતું. ત્યારથી તેમના સાથી ખેલાડીઓ પણ તેમને આ જ નામે બોલાવે છે.
કેન વિલિયમસનનું શાનદાર ક્રિકેટ કરિયર
વિલિયમસને વર્ષ ૨૦૧૦માં ભારત સામે પોતાની ટેસ્ટ અને વનડે કરિયરની શરૂઆત કરી હતી. ન્યૂઝીલેન્ડ માટે તેમણે શાનદાર પ્રદર્શન કર્યું છે:
-
ટેસ્ટ ક્રિકેટ: ૧૧૦ મેચમાં ૫૪.૦૬ ની એવરેજથી ૯,૫૧૫ રન બનાવ્યા (૩૩ સદી).
-
વનડે ક્રિકેટ: ૪૮.૬૯ ની એવરેજથી ૭,२૫૬ રન બનાવ્યા (૧૫ સદી).
-
ટી20 ક્રિકેટ: ૯૩ મેચમાં ૨,૫૭૫ રન બનાવ્યા (૧૮ અડધી સદી).
વિલિયમસન ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ક્રિકેટ જગત હંમેશા તેમની નમ્રતા અને શાનદાર રમતને યાદ રાખશે.
<
