Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

Ebola In Gujarat: અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોના શંકાસ્પદ દર્દીનો ઈબોલા રિપોર્ટ નેગેટિવ, આરોગ્ય તંત્રએ લીધો રાહતનો શ્વાસ

ઈબોલા

ગુજરાતના નાગરિકો અને આરોગ્ય વિભાગ માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. આફ્રિકાના કૉંગો દેશથી વડોદરા આવેલા અને ઈબોલા વાયરસના લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીનો મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયા પર આ સત્તાવાર માહિતી શેર કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

વડોદરાથી અમદાવાદ સિવિલ કેમ લવાયો?

કૉંગોનો રહેવાસી 37 વર્ષનો એક યુવક બિઝનેસ ટૂર પર ભારત આવ્યો હતો. મુંબઈ, સેલવાસ અને દમણની મુલાકાત લીધા બાદ તે વડોદરાની એક કંપનીમાં આવ્યો હતો. ત્યાં રાત્રે અચાનક તાવ આવતા તેને વારસિયા રિંગરોડની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

યુવકની આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી જાણીને તબીબો સતર્ક થઈ ગયા હતા. વડોદરાની હોસ્પિટલમાં ઇબોલાની સારવાર માટેની માન્યતા ન હોવાથી, દર્દીને તાત્કાલિક વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) શિફ્ટ કરવામાં આવ્યો હતો.

તંત્ર દ્વારા લેવાયેલા તાત્કાલિક પગલાં:

  • યુવકના સંપર્કમાં આવેલા વડોદરાના એક ડોક્ટર અને તેના બે મિત્રો સહિત 3 લોકોને ક્વોરન્ટાઇન કરાયા હતા.

  • દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવતા હવે તંત્ર સહિત ક્વોરન્ટાઇન થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આફ્રિકન દેશોમાંથી આવેલા અન્ય 11 મુસાફરોને સાવચેતીના ભાગરૂપે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ કેમ છે અત્યંત ખતરનાક?

આફ્રિકામાં અત્યારે ઈબોલાનો જે નવો પ્રકોપ જોવા મળી રહ્યો છે, તેની પાછળ ‘બુંડીબુગ્યો સ્ટ્રેન’ (Bundibugyo strain) જવાબદાર છે. આ વાયરસનો એક અત્યંત દુર્લભ પ્રકાર છે.

આ સ્ટ્રેન શા માટે ચિંતાજનક છે?

  1. આ સ્ટ્રેન માટે હાલમાં કોઈ ચોક્કસ વેક્સિન કે પ્રોપર સારવાર ઉપલબ્ધ નથી.

  2. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના મતે, આ સ્ટ્રેનમાં મૃત્યુદર 30% થી 50% સુધીનો હોઈ શકે છે.

  3. આ સંક્રમણ મે 2026 માં કોંગોના ઈતુરી પ્રાંતમાંથી શરૂ થયું હતું અને હવે બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારો સુધી ફેલાઈ ગયું છે.

ભારતમાં લેવાયા કડક પગલાં

આ આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંકટને જોતા ભારત સરકારે આફ્રિકન દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ પર કોવિડ જેવા જ કડક પ્રોટોકોલ લાગુ કરી દીધા છે. એરપોર્ટ પર દરેક મુસાફરનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સરકારે એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરીને ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી કોંગો, યુગાન્ડા અને દક્ષિણ સુદાનની યાત્રા ન કરવા માટે સલાહ આપી છે.

ઈબોલા વાયરસના લક્ષણો અને ફેલાવો

ઈબોલા એક અત્યંત ચેપી રોગ છે. તે સંક્રમિત વ્યક્તિના લોહી, શારીરિક પ્રવાહી (body fluids), તેના કપડાં અથવા પથારીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે. આ સિવાય ચામાચીડિયા અને વાંદરા જેવા સંક્રમિત પ્રાણીઓથી પણ તે મનુષ્યોમાં પ્રવેશે છે.

મુખ્ય લક્ષણો: શરૂઆતમાં તાવ, ભારે નબળાઈ અને શરીરમાં અસહ્ય દુખાવો થાય છે. રોગ વધતા ઉલ્ટી, ડાયરિયા અને શરીરના અંગોમાંથી લોહી વહેવા લાગે છે. શરૂઆતના લક્ષણો મેલેરિયા જેવા સામાન્ય તાવને મળતા આવતા હોવાથી તેની તાત્કાલિક ઓળખ કરવી મુશ્કેલ બને છે. જો કે, ગુજરાતમાં હાલ પૂરતો આ ખતરો ટળી ગયો છે.

સંબંધિત પોસ્ટ્સ

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સાપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડાટ

praxpatel

આજથી કરોડો લોકોના વોટ્સએપ એકાઉન્ટ બંધ થઈ જશે, જાણો નવા નિયમો

aminparmar

અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવા લાંચ માગી, ACBએ ત્રણને ઝડપી પાડ્યા

ANIL PATEL