વર્ષ ૧૯૯૪ માં રિલીઝ થયેલી શાહરૂખ ખાન અને માધુરી દીક્ષિત ની ફિલ્મ ‘અંજામ’ (Anjaam) નું ગીત ‘ચને કે ખેત મેં’ (Channe Ke Khet Mein) આજે પણ લોકોના દિલમાં ધબકે છે. પરંતુ, ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ સુપરહિટ ગીતને શરૂઆતમાં માધુરી દીક્ષિત અને પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાને રિજેક્ટ કરી દીધું હતું. આ ગીતની ધૂન સાંભળીને બંનેએ ડિરેક્ટરને કંઈક એવું કહ્યું હતું કે તેઓ પણ હેરાન રહી ગયા હતા.
માધુરી અને સરોજ ખાને કેમ પાડી હતી ના?
‘અંજામ’ ફિલ્મના ડિરેક્ટર રાહુલ રવૈલ અને સંગીતકાર આનંદ-મિલિંદ આ ગીતને ફિલ્મમાં સામેલ કરવા માંગતા હતા. જોકે, ગીતની ધૂન સાંભળીને માધુરી દીક્ષિત અને સરોજ ખાને સાફ ના પાડી દીધી હતી. તેમનું માનવું હતું કે, ‘આ ગીતની ધૂન પર ડાન્સ કરવો શક્ય જ નથી.’
માધુરી દીક્ષિતે પોતે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેમને અને સરોજ ખાનને લાગતું હતું કે આ ટ્રેક ડાન્સ કરવા લાયક નથી. પરંતુ, ડિરેક્ટર રાહુલ રવૈલ પોતાના વિઝન પર અડી રહ્યા અને તેમણે બંનેને આ ગીત શૂટ કરવા માટે રાજી કર્યા હતા.
સરોજ ખાને સ્ક્રીન પર રચ્યો જાદુ
જ્યારે આખરે ‘ચને કે ખેત મેં’ ગીતનું શૂટિંગ શરૂ થયું, ત્યારે સરોજ ખાને પોતાની કોરિયોગ્રાફીથી સ્ક્રીન પર જાદુ કરી દીધો. ગીત રિલીઝ થતાંની સાથે જ આખા દેશમાં સુપરહિટ થઈ ગયું હતું. માધુરી દીક્ષિતનો દેશી અંદાજ, શાહરૂખ ખાનની મસ્તી અને અનોખી ડાન્સ સ્ટેપ્સે લોકોના દિલ જીતી લીધા હતા. આજે ૩૨ વર્ષ પછી પણ આ ગીત લગ્નો, પાર્ટીઓ અને સોશિયલ મીડિયા રીલ્સમાં ધૂમ મચાવી રહ્યું છે.
માધુરી દીક્ષિતે પાછળથી જણાવ્યું હતું કે, આ ગીત તેમના કરિયરના સૌથી પડકારજનક પરંતુ મનપસંદ ગીતોમાંથી એક છે. જ્યારે સરોજ ખાન પણ આ ગીતને પોતાના શ્રેષ્ઠ કામોમાં ગણાવતા હતા.
