રાજકોટમાં દેવામાં ડૂબેલા એક યુવકે રાતોરાત અમીર બનવા માટે ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો. આ યુવકે પોતાના રૂમમાં જ કલર પ્રિન્ટર અને સ્કેનર લગાવી નકલી નોટો છાપવાનું શરૂ કર્યું હતું. જોકે, તે આ નોટો બજારમાં મોટા પાયે ફેલાવે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો છે.
દેવું વધી જતા અપનાવ્યો ખોટો રસ્તો
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ રૈયાધાર વિસ્તારમાં દરોડો પાડીને નૈતિક અગ્રાવત નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે:
-
આરોપી આર્થિક તંગી અને દેવાના બોજ હેઠળ દબાયેલો હતો.
-
તેણે એક અઠવાડિયા પહેલા YouTube પર નકલી નોટ બનાવવાની રીત શીખી હતી.
-
પોતાના રૂમમાં જ પ્રિન્ટર, સ્કેનર અને A-4 સાઈઝના પેપરથી ફેક્ટરી શરૂ કરી દીધી હતી.
કેવી રીતે પકડાયો આરોપી?
SOG ની ટીમને બાતમી મળી હતી કે ગૌશાળા પાસેના એક રૂમમાં નકલી નોટો છપાઈ રહી છે. પોલીસે દરોડો પાડીને નીચે મુજબની વસ્તુઓ કબજે કરી છે:
-
100 અને 200 રૂપિયાની કુલ 38 નકલી નોટો.
-
એક કલર પ્રિન્ટર-કમ-સ્કેનર.
-
કટર, પેન્સિલ અને કાગળ જેવી સામગ્રી.
બે નોટો બજારમાં પધરાવી પણ દીધી હતી
આરોપીએ કબૂલાત કરી કે ત્રણ દિવસ પહેલા તેણે બે નકલી નોટો છાપી હતી. આ નોટો તેણે બજારમાં વાપરી જોઈ અને તેમાં તે સફળ રહ્યો. આ સફળતાથી પ્રેરાઈને તેણે વધુ નોટો છાપવાનું શરૂ કર્યું, પણ તે બજારમાં જાય તે પહેલા જ પોલીસના હાથે ચઢી ગયો.
ગુનાહિત ઇતિહાસ
પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપી નૈતિક સામે અગાઉ પણ અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે તેણે આ નોટો કોને આપી હતી કે કેમ.
