અમદાવાદ જિલ્લામાં વિધવા પેન્શન યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) ના લાભાર્થીઓની સંખ્યામાં થયેલા આ ઘટાડા અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ, આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ લાભાર્થીઓનું અન્ય યોજનામાં સ્થળાંતર છે.
વિધવા પેન્શન યોજના અંતર્ગત વર્ષ 2025માં લાભાર્થીઓને કુલ 3.76 કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે. પરંતુ આ પેન્શનનો લાભ મેળવતી મહિલાઓની સંખ્યા વર્ષની શરૂઆત અને અંતમાં કોઈ તાલ બેસતો નથી. પ્રાપ્ત માહિતી મુજબ જાન્યુઆરી મહિનામાં સરકાર દ્વારા સમયાંતરે કરવામાં આવતી ચકાસણીમાં જો લાભાર્થીની વાર્ષિક આવક નિયત મર્યાદા (ગ્રામ્ય માટે ₹1,20,000 અને શહેરી માટે ₹1,50,000) કરતા વધી જાય, અથવા જો લાભાર્થી પુનઃલગ્ન કરે, તો તેમનું નામ યાદીમાંથી કમી કરવામાં આવે છે. આ ઉપરાંત, અગાઉ કેન્દ્ર સરકારની ‘ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના’ હેઠળ નોંધાયેલા લાભાર્થીઓને હવે રાજ્ય સરકારની નવી ડિજિટલ પોર્ટલ વ્યવસ્થામાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે, જેના કારણે જૂના ડેટામાં ઘટાડો જોવા મળી શકે છે. જો કોઈ પાત્રતા ધરાવતી મહિલાનું નામ ટેકનિકલ ભૂલને કારણે કમી થયું હોય, તો તેઓ જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત મામલતદાર કચેરી અથવા જન સેવા કેન્દ્ર પર જઈને પુનઃ ચકાસણી કરાવી શકે છે.
આ અંગેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:-
• યોજનામાં ફેરફાર:- અગાઉ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના હેઠળ લાભ મેળવતી મહિલાઓને હવે રાજ્ય સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં સ્થાનાંતરિત કરવામાં આવી રહી છે.
• ડેટા અપડેશન અને વેરિફિકેશન:- સરકાર દ્વારા ટેકનિકલ કારણો, આવક મર્યાદામાં ફેરફાર અથવા લાભાર્થીના અવસાન જેવા કારણોસર ડેટાનું વેરિફિકેશન કરવામાં આવતું હોય છે. ભૂતકાળમાં ખોટી માહિતી આપીને લાભ લેતા કિસ્સાઓમાં પણ પેન્શન રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
• વર્ષ 2025 ના આંકડા:- જાન્યુઆરી 2025 માં 49,375 લાભાર્થીઓ હતા, જે ડિસેમ્બર સુધીમાં ઘટીને 2,924 થઈ ગયા હોવાનું જણાવાયું છે. જોકે, મંત્રીની સ્પષ્ટતા મુજબ અમદાવાદ શહેર અને જિલ્લામાં આ સમયગાળા દરમિયાન એક લાખથી વધુ નવી લાભાર્થી બહેનોનો ગંગા સ્વરૂપ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
• બજેટમાં વધારો:- ઘટાડાના આંકડા વચ્ચે સરકારે વર્ષ 2025-26 માટે આ યોજનાનું બજેટ વધારીને ₹3,015 કરોડ કર્યું છે, જે દર્શાવે છે કે યોજના હેઠળ આર્થિક સહાયનો વ્યાપ ઘટાડવામાં નથી આવ્યો પણ તેને વધુ વ્યવસ્થિત કરવામાં આવી રહ્યો છે
