બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાને યુદ્ધોથી બચાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની સ્થાપના થઈ હતી. પરંતુ, બદલાતી વૈશ્વિક વ્યવસ્થાઓ વચ્ચે હવે UN ના શાંતિ મિશનો નબળા પડી રહ્યા છે. સ્વીડનની સંશોધન સંસ્થા સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના નવા અહેવાલમાં આ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, શાંતિ સેનામાં સૈનિકોની સંખ્યા ઘટી રહી છે અને ફંડની ભારે અછત સર્જાઈ છે.
સૈનિકોની સંખ્યામાં મોટો ઘટાડો
SIPRI ના અહેવાલ મુજબ, વર્ષ 2025 માં UN શાંતિ મિશનમાં તૈનાત સૈનિકોની સંખ્યા ઘટીને માત્ર 78,633 રહી ગઈ છે.
-
આ સંખ્યા વર્ષ 2024 ની સરખામણીએ 17 ટકા ઓછી છે.
-
વર્ષ 2016 ની સરખામણીએ સૈનિકોની સંખ્યામાં 49 ટકા નો મોટો ઘટાડો નોંધાયો છે.
ફંડની અછત અને અમેરિકાનું વલણ
શાંતિ મિશનો સામે અત્યારે સૌથી મોટી સમસ્યા પૈસાની છે. જુલાઈ 2025 સુધીમાં UN શાંતિ મિશનના બજેટમાં 2 અબજ ડૉલરથી વધુનો ઘટાડો થયો હતો. આ કુલ બજેટના લગભગ 35 ટકા જેટલો હિસ્સો છે.
અમેરિકા લાંબા સમયથી આ મિશનોમાં સૌથી વધુ આર્થિક યોગદાન આપતું આવ્યું છે. પરંતુ હવે અમેરિકા પોતે ખર્ચ ઘટાડવાનું દબાણ કરી રહ્યું છે. અમેરિકાએ લેબનાનમાં 1978 થી તૈનાત ‘યુનાઇટેડ નેશન્સ ટેમ્પરરી ફોર્સ’ ને બંધ કરવાની માંગ પણ કરી હતી. જોકે, બાદમાં સમજૂતી થતાં આ મિશન ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યું છે
સુરક્ષા પરિષદમાં પરસ્પર વિખવાદ
UN સુરક્ષા પરિષદ (UNSC) માં હવે કોઈ પણ મુદ્દે સહમતિ સાધવી મુશ્કેલ બની ગઈ છે. અમેરિકા, ચીન અને રશિયા જેવા કાયમી સભ્યો ઘણા મુદ્દાઓ પર સામસામે આવી ગયા છે. આ દેશો દ્વારા વીટો (Veto) નો ઉપયોગ પણ વધી ગયો છે. આ રાજકીય ખેંચતાણને કારણે નવું શાંતિ મિશન શરૂ કરવાના નિર્ણયો અટકી જાય છે.
શાંતિ મિશનમાં ભારતનું મોટું યોગદાન
ભારત લાંબા સમયથી UN ના શાંતિ અભિયાનોમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. 2025 માં શાંતિ સેનામાં સૌથી વધુ સૈનિકો મોકલવામાં યુગાન્ડા પ્રથમ ક્રમે રહ્યું છે. ત્યારબાદ નેપાળ, બાંગ્લાદેશ અને ભારતનો નંબર આવે છે. ભારત 1950 ના દાયકાથી અત્યાર સુધીમાં પોતાના 2.75 લાખથી વધુ સૈનિકો અને પોલીસકર્મીઓને UN મિશનમાં મોકલી ચૂક્યું છે.
નિષ્ણાતોના મતે, જો મોટી સત્તાઓ વચ્ચે અવિશ્વાસ આ જ રીતે વધતો રહેશે, તો વૈશ્વિક સ્તરે સંઘર્ષ રોકવાની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે.
