સુરત | એપ્રિલ 24, 2026; સુરત મહાનગરપાલિકા (SMC) ની આગામી ચૂંટણી માટે પ્રચાર તેજ બન્યો છે, પરંતુ સત્તાધારી ભાજપ માટે ભૂતકાળમાં લેવાયેલા કેટલાક નિર્ણયો હવે ગળાનું હાડકું બની ગયા છે. ખાસ કરીને બહુમતીના જોરે પાલિકાના પ્લોટોની કાર્યકરોને કરાયેલી ફાળવણી હવે ચૂંટણી ટાણે પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.
કાર્યકરો અને પક્ષપલ્ટુઓને પ્લોટની લહાણી
ગયા શાસન દરમિયાન ભાજપ પાસે 93 બેઠકોનું સંખ્યાબળ હતું, જે બાદ ‘આપ’ના 12 કોર્પોરેટરો પણ ભાજપમાં જોડાયા હતા. આ પ્રચંડ બહુમતીનો ઉપયોગ કરીને તત્કાલીન સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા પાલિકાના અનેક પ્લોટો નજીવા ભાડે ભાજપના કાર્યકરો અને પક્ષપલ્ટુઓને ફાળવી દેવામાં આવ્યા હતા. આ પ્લોટો પર આજે ફૂડ કોર્ટ, ગેરેજ અને ગોડાઉન જેવા વ્યવસાયો ધમધમી રહ્યા છે.
મોટા વરાછામાં સ્થાનિકોનો ઉગ્ર રોષ
સૌથી વધુ વિરોધ મોટા વરાછા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. રહેણાંક સોસાયટીઓની આસપાસ ફાળવવામાં આવેલા આ પ્લોટોની કારણે:
-
મોડી રાત સુધી ફૂડ ઝોન ધમધમતા હોવાથી શાંતિ હણાય છે.
-
ટ્રાફિક અને સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થયા છે.
-
સ્થાનિકોની વારંવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
ઉમેદવારોની હાલત કફોડી
હવે જ્યારે ભાજપના ઉમેદવારો મતો માંગવા માટે જઈ રહ્યા છે, ત્યારે મતદારો તેમને પ્લોટ ખાલી કરાવવા બાબતે ઘેરી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે, “પાલિકાના પ્લોટ કાર્યકરોને શા માટે અપાયા?” અને “ચૂંટાયા પછી આ પ્લોટ ફાળવણી રદ થશે કે નહીં?”. ઉમેદવારો પાસે આ પ્રશ્નોના કોઈ સ્પષ્ટ જવાબ ન હોવાથી તેઓ મૌન સેવી રહ્યા છે.
નબળી રણનીતિ અને અનુભવનો અભાવ
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સુરત ભાજપના સંગઠનમાં અનુભવનો અભાવ અને નબળી ટીમના કારણે ઉમેદવારો જનતાના રોષને શાંત પાડવામાં નિષ્ફળ રહ્યા છે. ‘દલા તરવાડી’ જેવો વહીવટ હવે ચૂંટણીના પરિણામો પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું.
