ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમીએ પોતાની ગર્ભવતી પ્રેમિકાની નિર્દયતાથી હત્યા કરી નાખી છે. ગત ૨૫ મેના રોજ માનસી નામની એક કોલેજ જતી યુવતી ગુમ થઈ હતી. શનિવારે લખનૌના બક્ષી કા તલાબ વિસ્તારના જંગલમાંથી તેનું માત્ર કંકળ મળી આવ્યું છે. જંગલી પ્રાણીઓએ તેના મૃતદેહને ખરાબ રીતે ચૂંથી નાખ્યો હતો.
લગ્નનું દબાણ કરતા કરી હત્યા
-
પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક માનસી ૩ મહિનાની ગર્ભવતી હતી.
-
તે પોતાના પ્રેમી શિવમ પર લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહી હતી.
-
આ વાતથી કંટાળીને શિવમે તેને રસ્તા પરથી કાયમ માટે હટાવવાનો પ્લાન બનાવ્યો.
-
૨૫ મેના રોજ શિવમે માનસીને લગ્નની વાત કરવા કોલેજ બોલાવી અને ત્યાંથી બાઇક પર લખનૌ લઈ ગયો.
મોબાઈલ ઘરે મૂકીને ગયો હતો
આરોપી શિવમ ગુનો કરતા પહેલા પૂરી તૈયારી કરીને ગયો હતો. તે પોતાનો મોબાઈલ ઘરે જ મૂકીને ગયો હતો, જેથી તેનું લોકેશન ટ્રેસ ન થઈ શકે. લખનૌના કિસાન પથ પાસે એક સૂમસામ જંગલમાં બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યાં જ તેણે માનસીનું ગળું દબાવી દીધું. લાશની ઓળખ છુપાવવા માટે તેણે મૃતદેહના ગળા પર સિમેન્ટનો ભારે થાંભલો મૂકી દીધો અને ત્યાંથી ફરાર થઈ ગયો.
પિતાએ કર્યો હતો વિરોધ પ્રદર્શન
માનસીના ગુમ થયા બાદ તેના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં શિવમ સામે અપહરણની ફરિયાદ કરી હતી. પરંતુ શરૂઆતમાં કોઈ નક્કર પુરાવા ન મળતા શિવમને છોડી દેવાયો હતો. ન્યાય માટે માનસીના પિતાએ ગામના આંબેડકર પાર્કમાં ધરણાં પ્રદર્શન પણ કર્યું હતું.
જ્યારે મામલો ગરમાયો ત્યારે પોલીસે ફરીથી શિવમની કડક પૂછપરછ કરી અને તે ભાંગી પડ્યો. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. તેના બતાવ્યા મુજબ જંગલમાંથી કંકળ મળ્યું, અને કપડાં-ચપ્પલ પરથી પરિવારે તેમની દીકરીની ઓળખ કરી.
એન્કાઉન્ટરમાં આરોપીને વાગી ગોળી
પોલીસ જ્યારે આરોપી શિવમને લઈને ઘટનાસ્થળે સાક્ષ્ય અને પુરાવા એકઠા કરવા ગઈ હતી, ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. શિવમે શૌચ જવાનું બહાનું કાઢીને અચાનક પોલીસની પિસ્તોલ આંચકી લીધી અને ટીમ પર ફાયરિંગ શરૂ કર્યું.
પોલીસની જવાબી કાર્યવાહીમાં એક ગોળી શિવમના પગમાં વાગી હતી, જેના પછી તેને ઝડપી લેવાયો. હાલમાં ઘાયલ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ હત્યાકાંડમાં અન્ય એક મહિલા પણ સામેલ હોવાની આશંકા છે, જેની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
< /p>
