અયોધ્યાના રામ મંદિર માં ચઢાવાની ચોરીના મામલે હવે મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બંનેએ નૈતિકતાના આધારે રાજીનામું આપ્યું છે. SIT આ મામલાની તપાસ કરી રહી છે અને પૂછપરછનો દોર ચાલુ છે.
ચંપત રાય જ સંભાળતા હતા મંદિરનું તમામ કામ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ અવારનવાર બીમાર રહે છે. તેથી તેઓ મંદિરના રોજિંદા કામમાં બહુ સક્રિય રહેતા નથી. ટ્રસ્ટના અન્ય સભ્યો પણ માત્ર મીટિંગો પૂરતા જ હાજર રહેતા હતા.
આ કારણે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય જ મંદિરનું બધું કામકાજ જોતા હતા. ડૉ. અનિલ મિશ્રા હંમેશા તેમની સાથે રહેતા હતા. રામ મંદિરના નિર્માણથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધીની તમામ જવાબદારી ચંપત રાયે જ નિભાવી હતી. કયા પ્રોગ્રામમાં કોને આમંત્રણ આપવું તેની યાદી પણ તેઓ જ બનાવતા હતા.
નજીકના લોકોને કામ સોંપવાનો ગંભીર આરો
રામ મંદિર બન્યા પછી ત્યાં લાખો શ્રદ્ધાળુઓ આવવા લાગ્યા અને કરોડો રૂપિયાનો ચઢાવો આવવા લાગ્યો. આરોપ છે કે ચંપત રાયે ચઢાવાના કલેક્શન અને કાઉન્ટિંગ (ગણતરી) માટે પોતાના ખૂબ જ નજીકના લોકોને કામ પર રાખ્યા હતા.
-
ટિન્નુ યાદવનો દબદબો: ચંપત રાયનો પૂર્વ ડ્રાઈવર ટિન્નુ યાદવ મંદિરમાં અઘોષિત સર્વેસર્વા બની ગયો હતો.
-
ચાવીઓ ટિન્નુ પાસે રહેતી: તમામ દાન પાત્રો, કલેક્શન સેન્ટર અને લોકરની ચાવીઓ ટિન્નુ પાસે જ રહેતી હતી. બેંકમાં કેશ બોક્સ પહોંચાડવાની જવાબદારી પણ તેની જ હતી.
-
સગાવાદના આક્ષેપ: ટિન્નુ યાદવે તેના ભત્રીજા મનીષ યાદવને પણ ચઢાવો ગણવાના કામમાં લગાવી દીધો હતો. બેંકના આઉટસોર્સ કર્મચારીઓ પણ કોઈ ખાસ તપાસ વગર રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ છે.
ચંપત રાયના કહેવા પર જ કેશ રિકવર થઈ
જ્યારે મંદિરમાં ચંપત રાયની મરજી વગર પાંદડું પણ નહોતું હલતું, તો પછી આટલી મોટી ચોરી કેવી રીતે થઈ? તેવો સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. ચોરીનો મામલો સામે આવ્યા બાદ ચંપત રાયે પહેલા નિવેદન આપ્યું હતું કે ઓડિટ ચાલુ છે અને કોઈ ગરબડ નથી મળી.
પરંતુ, ત્યારબાદ ચંપત રાય પોતે પોલીસ સાથે આરોપી લવકુશ મિશ્રાના ઘરે પહોંચ્યા હતા. ત્યાંથી કચરાના ઢગલામાંથી 10 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. અન્ય લોકોના ઘરેથી પણ કેશ ચંપત રાયના કહેવા પર જ મળી આવી છે. હવે વિપક્ષ અને લોકો સવાલ પૂછી રહ્યા છે કે ચંપત રાયે આ મામલે પહેલા FIR કેમ ન કરાવી? શું તેઓ આરોપીઓને બચાવવા માંગતા હતા?
ડૉ. અનિલ મિશ્રા પણ શંકાના દાયરામાં
ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રા ૨૦24ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન હતા. તેઓ વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર છે અને આરએસએસ (RSS) સાથે લાંબા સમયથી જોડાયેલા છે. તેઓ ચઢાવાના કલેક્શન સેન્ટરના ઈન્ચાર્જ હતા.
કલેક્શન સેન્ટરના ઈન્ચાર્જ સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ ડૉ. અનિલ મિશ્રાના ઘરે ભાડે રહેતા હતા. તેમની ભલામણ પર જ સુભાષને આ નોકરી મળી હતી.
કેવી રીતે થતી હતી ચોરી?
તપાસમાં બહાર આવ્યું છે કે 100-100ની નોટોની ગડ્ડીઓમાં 100 કરતા વધારે નોટો રાખવામાં આવતી હતી. જ્યારે 10 ગડ્ડીઓનો એક આખો બંડલ બકસામાં પેક કરીને બેંક મોકલાતો, ત્યારે રસ્તામાં જ તેમાંથી વધારાની કેશ કાઢી લેવામાં આવતી હતી. આ આખું કલેક્શન સેન્ટર ડૉ. અનિલ મિશ્રાની દેખરેખમાં હોવાથી તેઓ પણ અત્યારે શંકાના ઘેરાવમાં છે.
