વિશ્વભરમાં ભારતીય યુવાનો પોતાની પ્રતિભાના જોરે ઊંચા હોદ્દાઓ હાંસલ કરી રહ્યા છે, ત્યારે આ યાદીમાં વધુ એક ગર્વ લેવા જેવું નામ ઉમેરાયું છે. ભારતીય મૂળની ૧૭ વર્ષની દીકરી રિદ્ધિ ચૌહાણે અમેરિકામાં એક નવો ઈતિહાસ રચ્યો છે. ન્યૂયોર્કની એક સ્કૂલમાં રિદ્ધિને ‘નેવી જુનિયર રિઝર્વ ઓફિસર ટ્રેનિંગ કોર’ (NJROTC) પ્રોગ્રામ અંતર્ગત કમાન્ડિંગ ઓફિસર (Commanding Officer) બનાવવામાં આવી છે. તે હવે ૩૦૦ નેવી કેડેટ્સની આખી બટાલિયનનું નેતૃત્વ કરે છે.
૩૦૦ કેડેટ્સને કમાન્ડ આપે છે રિદ્ધિ ન્યૂયોર્કની બેન્જામિન એન. કાર્ડોઝો હાઈસ્કૂલમાં (Benjamin N. Cardozo High School) અભ્યાસ કરતી રિદ્ધિ પર હવે તેની આખી બટાલિયનની મોટી જવાબદારી છે. તેના આદેશોનું ૩૦૦ કેડેટ્સ પાલન કરે છે. અઠવાડિયામાં એક દિવસ યોજાતી સ્પેશિયલ ડ્રિલ (Drill) માટે રિદ્ધિ સવારે ૭ વાગ્યે જ સ્કૂલે પહોંચી જાય છે અને પરેડનું નેતૃત્વ કરે છે. રિદ્ધિના જણાવ્યા અનુસાર, આ તેના જીવનનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ અનુભવ છે.
શું છે આ NJROTC પ્રોગ્રામ? નેવી જુનિયર રિઝર્વ ઓફિસર્સ ટ્રેનિંગ કોર્પ્સ (NJROTC) એ અમેરિકી નૌસેના (US Navy) દ્વારા ચલાવવામાં આવતો એક પ્રતિષ્ઠિત લીડરશિપ પ્રોગ્રામ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો, ચરિત્ર નિર્માણ અને ટીમ વર્ક (Teamwork) ની ભાવના વિકસાવવાનો છે. રિદ્ધિ ભવિષ્યમાં અમેરિકી નેવીમાં ઓફિસર બનવા માંગે છે, તેથી તેણે આ પ્રોગ્રામ જોઈન કર્યો હતો.
રિદ્ધિ આ પદ પર સીધી નથી પહોંચી. આ પહેલા તેણે એકેડેમિક ઓફિસર, સ્ટેમ કમાન્ડર (STEM Commander), પ્લાટૂન લીડર અને ઇન્સ્પેક્શન કમાન્ડર તરીકે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. છેલ્લા બે વર્ષથી તે પોતાની સ્કૂલને આ પ્રોગ્રામમાં વિજેતા બનાવી રહી છે.
અધ્યાત્મમાં ઊંડી રુચિ અને સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાણ રિદ્ધિ ચૌહાણ તેના કરિયરની સાથે સાથે ખૂબ જ ધાર્મિક અને આધ્યાત્મિક છે. તે પોતાની આ સફળતા અને સકારાત્મક ઉર્જાનો શ્રેય BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજને (Mahant Swami Maharaj) આપે છે. તેનું માનવું છે કે મહંત સ્વામી મહારાજની જીવનયાત્રા અને તેમના આશીર્વાદ તેને જીવનમાં સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. રિદ્ધિ હવે નેવલ એકેડેમી પ્રિપેરેટરી સ્કૂલમાં પ્રવેશ મેળવી સત્તાવાર રીતે નૌસેના અધિકારી બનવાની તૈયારી કરી રહી છે.
ભારતના કયા રાજ્ય સાથે છે સંબંધ? રિદ્ધિ ચૌહાણના પિતાનું નામ દિલીપ ચૌહાણ અને માતાનું નામ રુચિકા ચૌહાણ છે. તેમનો પરિવાર મૂળ ભારતના રાજસ્થાન રાજ્યના જયપુર (Jaipur) નો રહેવાસી છે. રિદ્ધિની મોટી બહેન કાહિની ગુપ્તા ચૌહાણ વ્યવસાયે એક ડોક્ટર (Doctor) છે. દીકરીની આ વૈશ્વિક સિદ્ધિથી અમેરિકામાં વસતા ભારતીય સમુદાય અને રાજસ્થાનમાં ખુશીનો માહોલ છે.
