અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વર્લ્ડ ફેમસ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર એક કપલે જીવલેણ સ્ટન્ટ કર્યો છે. આ કપલ બિલ્ડિંગના 1,454 ફૂટ ઊંચા એન્ટેના પર કોઈ પણ સુરક્ષા વગર ચઢી ગયું હતું. ત્યાં તેમણે પ્રેમનો સંદેશ આપતું એક મોટું બેનર લહેરાવ્યું હતું. જો કે, નીચે ઉતરતા જ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે.
એન્ટેના પર લહેરાવ્યું ખાસ બેનર
આ કપલ બિલ્ડિંગના સૌથી ઉપરના ભાગે એટલે કે એન્ટેના પર પહોંચી ગયું હતું. તેમણે બ્લેક કલરના કપડાં અને માસ્ક પહેર્યા હતા. તેમણે સુરક્ષા માટે કોઈ દોરડાનો ઉપયોગ કર્યો ન હતો. એન્ટેના પર તેમણે એક બેનર લગાવ્યું હતું. તેના પર લખ્યું હતું કે, “જ્યારે પ્રેમની તાકાત, સત્તાના પ્રેમ પર ભારે પડે છે, ત્યારે દુનિયામાં શાંતિ આવે છે.”
એન્ટેના પર સગાઈ અને રોમેન્ટિક પળો
બેનર લહેરાવ્યા બાદ બંને ધીમે-ધીમે એન્ટેનાથી નીચે ઉતરવા લાગ્યા હતા. એક જગ્યાએ ઉભા રહીને યુવકે ઘૂંટણિયે બેસીને યુવતીને પ્રપોઝ કર્યું હતું. બંનેએ એકબીજાને ગળે લગાવીને કિસ કરી હતી અને સેલ્ફી પણ લીધી હતી. સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં સગાઈની વીંટી પણ જોવા મળી રહી છે. બિલ્ડિંગની બહાર ઉભેલા પ્રવાસીઓ આ નજારો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
નેટફ્લિક્સ પર આવી ચૂકી છે સ્ટોરી
પકડાયેલા કપલની ઓળખ 33 વર્ષની એન્જેલા નિકોલાઉ અને 32 વર્ષના ઇવાન કુઝનેત્સોવ તરીકે થઈ છે. બંને ન્યૂ જર્સીના રહેવાસી છે. તેઓ સોશિયલ મીડિયા પર ‘ડેરડેવિલ ક્લાઇમ્બર’ તરીકે જાણીતા છે. તેઓ દુનિયાભરની ઊંચી ઇમારતો પર ચઢવા માટે ફેમસ છે. નેટફ્લિક્સની ડોક્યુમેન્ટ્રી ‘Skywalkers: A Love Story’માં પણ તેમની કહાની બતાવવામાં આવી છે.
કડક સુરક્ષા વચ્ચે કેવી રીતે પહોંચ્યા?
એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં કડક સુરક્ષા હોય છે. ત્યાં મોટા બેગ, કોસ્ચ્યુમ અને માસ્ક પર પ્રતિબંધ છે. તેમ છતાં આ કપલ એન્ટેના સુધી કેવી રીતે પહોંચ્યું, તે જાણી શકાયું નથી. પોલીસ હાલ આ સુરક્ષા ખામી અંગે તપાસ કરી રહી છે.
પોલીસે કરી ધરપકડ, લાગ્યા ગંભીર આરોપ
સ્ટન્ટ કરીને નીચે ઉતર્યા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી લીધી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, કપલ પર ગેરકાયદેસર પ્રવેશ કરવા, લોકોનો જીવ જોખમમાં મૂકવા અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે આવા સ્ટન્ટ જીવલેણ સાબિત થઈ શકે છે, તેથી કડક કાર્યવાહી જરૂરી છે.
< /p>
