નવી દિલ્હી: વર્ષ 2027 માં રમાનારા વનડે વર્લ્ડ કપ (ODI World Cup 2027) ને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે. આ મેગા ટૂર્નામેન્ટ આ વખતે સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાનીમાં રમાવાની છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના બે દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી રમશે કે નહીં, તે ક્રિકેટ ફેન્સ માટે મોટો સવાલ છે.
આ દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ આ બંને સિનિયર ખેલાડીઓના ભવિષ્ય અને વર્લ્ડ કપના રોડમેપને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. નોંધનીય છે કે રોહિત અને વિરાટ બંને ટેસ્ટ અને ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને હવે માત્ર વનડે અને આઈપીએલ રમે છે.
મીડિયા સામે પ્લાન જાહેર નહીં કરાય: BCCI સેક્રેટરી
ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું છે કે વર્ષ 2027 ના વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની તૈયારીઓ સતત ચાલી રહી છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને બોર્ડની શું પ્લાનિંગ છે, તે અત્યારે જાહેર કરવામાં આવશે નહીં.
દેવજીત સૈકિયાએ કહ્યું, “બોર્ડ પાસે એક્સપર્ટ્સની એક શાનદાર ટીમ છે. ક્રિકેટ કમિટી, સિલેક્ટર્સ, સપોર્ટ સ્ટાફ, હેડ કોચ અને પોતે ખેલાડીઓ સાથે મળીને તમામ નિર્ણયો લેવામાં આવે છે. અમારી વચ્ચે સતત વાતચીત થતી રહે છે. આ ખૂબ જ ગુપ્ત અને રણનીતિ સાથે જોડાયેલી બાબતો છે, તેથી તેને બોર્ડ મીટિંગના બંધ રૂમમાં જ રાખવી યોગ્ય છે. આ પ્લાન્સ મીડિયા કે સામાન્ય લોકો સમક્ષ જાહેર કરી શકાય નહીં.”
અફઘાનિસ્તાન સામે વનડે સિરીઝ રમી રહ્યો છે રોહિત
હાલના ફોર્મની વાત કરીએ તો, કેપ્ટન રોહિત શર્મા અત્યારે અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં રમી રહ્યો છે. લખનઉમાં રમાયેલી બીજી વનડે મેચમાં તેણે 39 બોલમાં 48 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
બીજી તરફ, રન મશીન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજા (Hamstring Injury) ના કારણે આ સિરીઝમાંથી બહાર છે. ડૉક્ટરોમના મતે તેઓ ઝડપથી રિકવર થઈ રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે વિરાટ આગામી જુલાઈ મહિનામાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાનારી વનડે સિરીઝ દ્વારા ટીમમાં વાપસી કરશે.
< /p>
