Gujarat Plus
Breaking News
સ્પોર્ટ્સ

અશ્મિતા ચાલિહાએ જીત્યું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ, કોરિયા માસ્ટર્સ 2026 ની ફાઇનલમાં ચીનની ખેલાડીને આપી માત

અશ્મિતા ચાલિહાએ જીત્યું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ, કોરિયા માસ્ટર્સ 2026 ની ફાઇનલમાં ચીનની ખેલાડીને આપી માત

ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડીઓ તરફથી વર્ષ 2026 માં વિવિધ ઇવેન્ટ્સમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. હવે આ યાદીમાં 26 વર્ષીય અશ્મિતા ચાલિહાનું નામ પણ જોડાઈ ગયું છે, જેણે કોરિયા માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટનું ટાઇટલ પોતાના નામે કર્યું છે.

અશ્મિતાનું આ પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ છે, જેમાં તેણે કોરિયા માસ્ટર્સ 2026 ના વિમેન્સ સિંગલ્સના ફાઇનલ મુકાબલામાં ચીનની ચોથી ક્રમાંકિત ખેલાડી હાાન કિયાન શી (Han Qian Xi) ને હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે.

ત્રણ સેટ સુધી ચાલેલી આ ફાઇનલ મેચમાં અશ્મિતાની શરૂઆત સારી નહોતી રહી અને પ્રથમ સેટમાં તેને 14-21 થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ અશ્મિતાએ રોમાંચક વાપસી કરીને પછીના બંને સેટ જીતી લીધા અને 53 મિનિટમાં મેચ પોતાના નામે કરી લીધી.

અશ્મિતાએ બીજા સેટથી બતાવ્યો આક્રમક ખેલ

ફાઇનલ મુકાબલાના પ્રથમ સેટમાં ચાઇનીઝ ખેલાડી હાને વાપસી કરતા 21-14 થી સેટ જીતી લીધો હતો. પરંતુ બીજા સેટની શરૂઆતથી જ અશ્મિતાએ આક્રમક રમત દાખવી અને પોતાના શ્રેષ્ઠ સ્મેશના ઉપયોગથી હાન પર સતત દબાણ બનાવ્યું.

બીજા સેટમાં એક સમયે સ્કોર 6-6 ની બરાબરી પર હતો, ત્યારબાદ અશ્મિતાએ લીડ મેળવીને 21-14 થી સેટ જીતીને મેચને 1-1 ની બરાબરી પર લાવી દીધી. ત્રીજા અને નિર્ણાયક સેટમાં પણ અશ્મિતાએ પોતાની આક્રમક શૈલી ચાલુ રાખીને ચાઇનીઝ ખેલાડીને વાપસીની કોઈ તક ન આપી અને 21-14 થી સેટ અને ખિતાબ બંને પોતાના નામે કરી લીધા.

“આ ખિતાબે મારી ભૂખ વધુ વધારી દીધી છે” – અશ્મિતા ચાલિહા

ટાઇટલ જીત્યા બાદ ખુશી વ્યક્ત કરતા અશ્મિતા ચાલિહાએ જણાવ્યું:

“મને ખૂબ સારું લાગી રહ્યું છે. આ અદ્ભુત છે અને હું આ ક્ષણને અનુભવવાનો પ્રયાસ કરી રહી છું. આ જીતે આગળ પણ વધુ સફળતા મેળવવાની મારી ભૂખ વધારી દીધી છે. પ્રથમ ગેમમાં વિન્ડ ડ્રિફ્ટના કારણે થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ બીજી ગેમમાં કોર્ટની બીજી તરફ સ્થિતિ વધુ સારી હતી. ત્રીજી ગેમમાં 11 પોઇન્ટ પછી મેં મારી રણનીતિ બદલી અને જીત મેળવવામાં સફળ રહી.”

નોંધનીય છે કે આ પહેલા તન્વી શર્માએ તાઇપે ઓપન, પીવી સિંધુએ જાપાન ઓપન અને દેવિકા સિહાગે થાઇલેન્ડ માસ્ટર્સનું ટાઇટલ જીતીને ભારતીય બેડમિન્ટનનું નામ રોશન કર્યું છે.


સંબંધિત પોસ્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ 2026: રિષિકાંત સિંહે વેઈટલિફ્ટિંગમાં ભારતને અપાવ્યો પ્રથમ સિલ્વર મેડલ

praxpatel

ભારત વિરુદ્ધ શ્રીલંકા શ્રેણી પહેલા ટીમ માટે મોટો ઝટકો, ઈજાએ વધારી મુશ્કેલીઓ

praxpatel

મમતાએ જોબ-ગેરંટી યોજનામાં મહાત્મા ગાંધીનું નામ જોડ્યું: મમતાએ કહ્યું- મનરેગામાંથી બાપુનું નામ હટાવવું શરમજનક; કેન્દ્રએ તેનું નામ ‘VB–જી રામ જી’ કર્યું

Gujarat Plus