આંધ્રપ્રદેશના પૂર્વ મંત્રી અને વાયએસઆરસીપીના સિનિયર નેતા જોગી રમેશ મુશ્કેલીમાં મુકાયા છે. વાયએસઆરસીપી નેતા જોગી રમેશ અને તેમના પરિવારના ૧૧ સભ્યો સામે તેમની પુત્રવધૂ મેઘનાએ પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.
મેઘનાએ પોતાના પતિ જોગી રાજીવ, સસરા જોગી રમેશ અને પરિવારના અન્ય સભ્યો સામે દહેજ ઉત્પીડન અને ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરાવ્યો છે. એનટીઆર જિલ્લા પોલીસે ૨૪ પાનાની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે.
લગ્ન બાદ શારીરિક અને માનસિક ત્રાસનો આક્ષેપ
પૂર્વ મંત્રીના પુત્ર જોગી રાજીવના લગ્ન મેઘના સાથે થયા હતા.
પોલીસને આપેલી ફરિયાદમાં મેઘનાએ જણાવ્યુ કે:
-
લગ્નના થોડા સમય બાદ જ સસરા પક્ષ દ્વારા તેની સાથે મારપીટ શરુ કરવામાં આવી હતી.
-
નાની-નાની બાબતોમાં ગાળો આપીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.
-
પરિવારના અન્ય સભ્યો પણ આ ઉત્પીડનમાં સામેલ હતા.
ધર્મ છુપાવીને લગ્ન કરવાનો મોટો આક્ષેપ
મેઘનાએ પોતાની ફરિયાદમાં ધાર્મિક ઓળખ છુપાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. લગ્ન સમયે વાયએસઆરસીપી નેતા જોગી રમેશના પરિવારે હિન્દુ ધર્મ પાળતા હોવાનું જણાવ્યું હતું અને હિન્દુ રીત-રિવાજ મુજબ જ લગ્ન થયા હતા.
પરંતુ સસરા ઘરે પહોંચ્યા બાદ મેઘનાને જાણ થઈ કે આ પરિવાર ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલો છે. આ વાત જાણી જોઈને છુપાવવામાં આવી હતી, જે એક મોટો વિશ્વાસઘાત છે.
અગરબત્તી પ્રગટાવવા પર વિવાદ અને ધમકી
ફરિયાદમાં મેઘનાએ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે તેણે ઘરમાં ભગવાન સામે અગરબત્તી પ્રગટાવી, ત્યારે સસરા પક્ષના લોકો ગુસ્સે થઈ ગયા હતા.
તેમણે અગરબત્તીની સુગંધની સરખામણી મૃતદેહની ગંધ સાથે કરી હતી. આ વાતનો વિરોધ કરવા પર તેને ધમકાવવામાં આવી હતી અને આ વાત પિયર પક્ષને ન જણાવવા માટે ચેતવણી આપવામાં આવી હતી.
પોલીસે ૧૧ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સતત મળતી ધમકીઓ અને પ્રતાડનાથી કંટાળીને મેઘનાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. એનટીઆર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ૨૪ પાનાની ફરિયાદ આધારે ગુનો નોંધ્યો છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કેસ ખૂબ જ સંવેદનશીલ છે. કારણ કે આમાં એક મોટા રાજકીય નેતાનો પરિવાર સામેલ છે. નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
