ભારતીય ક્રિકેટ રસિકો માટે એક ખૂબ જ ઉત્સાહજનક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાની (Australia) પ્રખ્યાત ફ્રેન્ચાઇઝી આધારિત ટી૨૦ લીગ ‘બિગ બેશ લીગ’ (Big Bash League) ના ઇતિહાસમાં પહેલીવાર કોઈ મેચ ભારતની ધરતી પર રમાશે. ઓસ્ટ્રેલિયાના ત્રણ દિવસના સત્તાવાર પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પ્રવાસના છેલ્લા દિવસે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતેથી આ અંગેની સત્તાવાર જાહેરાત કરી છે.
ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે ઓપનિંગ મેચ
પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝની (Anthony Albanese) હાજરીમાં જાહેરાત કરી હતી કે, બિગ બેશ લીગની આગામી ૧૬મી સીઝનનો પહેલો મુકાબલો ભારતની યજમાનીમાં રમાશે. ભારત પ્રથમ વખત કોઈ વિદેશી ટી૨૦ લીગની સત્તાવાર મેચની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક મેચ આગામી ૧૨ ડિસેમ્બરના રોજ ચેન્નાઈના પ્રખ્યાત એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે મેલબર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે રમાશે.
ઓસ્ટ્રેલિયન સાંસ્કૃતિક મહોત્સવનું આકર્ષણ બનશે બીબીએલ
સામાન્ય રીતે બિગ બેશ લીગની સીઝનની શરૂઆત ડિસેમ્બર મહિનામાં થાય છે અને ફાઈનલ જાન્યુઆરીમાં રમાતી હોય છે. ભારતમાં પણ આ લીગનો ક્રેઝ ઘણો વધારે છે. આ વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં એક સપ્તાહ સુધી ચાલનારા ‘ઓસ્ટ્રેલિયન સાંસ્કૃતિક મહોત્સવ’ (Australian Cultural Festival) નું આયોજન થવાનું છે અને આ ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહેશે.
ક્રિકેટ એ રમત નહીં પણ બંને દેશોનો સમાન જુસ્સો છે: પીએમ મોદી ૧૦ જુલાઈની સવારે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બંને દેશોના રમતગમતના સંબંધો પર વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે પણ હું મારા મિત્ર વડાપ્રધાન અલ્બનીઝને મળું છું, ત્યારે ક્રિકેટ અમારા વચ્ચે એક સ્વાભાવિક જોડાણનું માધ્યમ બને છે. આજે અહીં સ્ટીવ વો અને લિસા સ્થાલેકર જેવા દિગ્ગજ ખેલાડીઓની હાજરીમાં હું રમતની સાચી ભાવના અનુભવી રહ્યો છું. ભારત અને ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ માત્ર એક રમત નથી પણ એક સમાન જુસ્સો (Passion) છે. આ મેદાન પર આજે કોઈ છેલ્લી ઓવરના રોમાંચનું દબાણ નથી, પરંતુ માત્ર રમતનો આનંદ, આપણી મિત્રતાની આત્મીયતા અને ભવિષ્યના ચેમ્પિયન્સની ઉર્જા છે.”
