અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
અમરેલી: સાવરકુંડલાની નાવલી નદીમાં ઘોડાપૂર
સાવરકુંડલામાં ગઈકાલે ૭ ઈંચ વરસાદ પડ્યા બાદ આજે ફરી મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નાવલી નદીમાં પ્રચંડ ઘોડાપૂર આવ્યું છે. નદી ગાંડીતૂર બનતા પૂરના પાણી પુલ પર ફરી વળ્યા હતા. પૂરના જોરદાર પ્રવાહમાં એક વીજપોલ ધરાશાયી થયો હતો અને નદીના પાણી કાંઠાની દુકાનોમાં ઘૂસી ગયા હતા. આ ઉપરાંત સાવરકુંડલાનો સુકનેરા ડેમ પણ ઓવરફ્લો થયો છે.
લાઠી, લિલીયા અને કુકાવાવ પંથકમાં મેઘમહેર
અમરેલી લાઠી અને લિલીયા પંથકમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. લિલીયાના એકલેરા અને ગુદરણ તેમજ લાઠીના ઈંગોરાળા અને હાવતડ ગામોમાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ છે. બીજી તરફ, કુકાવાવ પંથકના અમરાપુર, બરવાળા અને બાવીસી ગામમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
જાફરાબાદ પોલીસ બની દેવદૂત
ભારે વરસાદના કારણે જાફરાબાદ પંથકમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. વઢેરા ગામે કમર સુધીના પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સમયે જાફરાબાદ પોલીસના જવાનો જીવના જોખમે પૂરમાં ઉતર્યા હતા. પોલીસે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડીને પ્રશંસનીય કામગીરી કરી છે.
શેત્રુંજી નદીના વહેણમાં ખેડૂત તણાયા
વરસાદી માહોલ વચ્ચે ધારીના ખોડીયાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. આ પૂરના પ્રચંડ વહેણમાં શરદભાઈ કાછડીયા નામના સ્થાનિક ખેડૂત તણાઈ ગયા હતા. ૧૨ કલાકની ભારે શોધખોળ બાદ તેમનો મૃતદેહ નદી કિનારેથી મળી આવતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
