ભારત સરકારે સોશિયલ મીડિયા કંપની મેટા (Meta) પર ફરી એકવાર કડક કાર્યવાહી કરી છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર દેખાડવામાં આવેલી વાંધાજનક જાહેરાતોને કારણે સરકારે કંપનીને નોટિસ પાઠવી છે.
છેલ્લા ૩ દિવસમાં મેટા કંપનીને મળેલી આ બીજી સરકારી નોટિસ છે. આ પહેલા સરકારે વોટ્સએપના નવા ફીચર અંગે પણ મેટા પાસે જવાબ માંગ્યો હતો.
Instagram પર કેવા પ્રકારની જાહેરાતો હતી?
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટાગ્રામ પર કેટલીક એવી જાહેરાતો દેખાડવામાં આવી હતી, જેમાં બાળકો સંબંધિત વાંધાજનક કન્ટેન્ટ (CSAM) સામેલ હતું. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ મેટાના અધિકારીઓને સમન્સ પાઠવ્યા છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનો આદેશ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે અધિકારીઓને કડક સૂચના આપી છે. તેમણે મેટા પાસે સ્પષ્ટતા માંગવા કહ્યું છે. સરકારે પૂછ્યું છે કે આવી વાંધાજનક જાહેરાતો ઇન્સ્ટાગ્રામ પર કેવી રીતે અપ્રૂવ થઈ? કંપનીની ઓટોમેટિક સિસ્ટમ અને ફિલ્ટર્સ કેમ નિષ્ફળ ગયા?
Meta કંપનીએ શું આપી સફાઈ?
વિવાદ વધતાં મેટાએ આ બધી વાંધાજનક જાહેરાતો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે. કંપનીએ જણાવ્યું કે, તેઓ બાળકોની સુરક્ષાને ખૂબ ગંભીરતાથી લે છે. આ માટે તેમની પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ખાસ ટીમ કામ કરી રહી છે. મેટાએ આ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પણ ભાગીદારી કરી છે.
આ પહેલા WhatsApp માટે પણ મળી હતી નોટિસ
થોડા દિવસો પહેલા જ સરકારે વોટ્સએપ (WhatsApp) ના નવા યુઝરનેમ ફીચરને લઈને મેટાને નોટિસ આપી હતી. સરકારને ડર છે કે આ ફીચરથી સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી ઘટનાઓ વધી શકે છે. જોકે, મેટાનું કહેવું છે કે આ ફીચર યુઝર્સની પ્રાઇવસી વધારવા માટે લાવવામાં આવ્યું છે.
< /p>
